પહેલી ફેબ્રુઆરીએ દેશના નાણાં મંત્રીએ યુનિયન બજેટ 2026 રજૂ કર્યું હતું. આ બજેટમાં ગુજરાત માટે પણ જાહેરાત કરાઈ હતી. જામનગર અને ધોળાવીરા સહિતની જાહેરાતો કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બજેટમાં ગુજરાતના રેલવે વિભાગ માટે 17366 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી.


રેલ વિભાગ માટે 17366 કરોડ રૂપિયા ફાળવ્યા

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, નાણાં મંત્રી નિર્મલા સિતારામને રજૂ કરેલા બજેટમાં ગુજરાતના રેલ વિભાગ માટે 17366 કરોડ રૂપિયા ફાળવ્યા હતાં. કોંગ્રેસના શાસનમાં થતી ફાળવણી કરતાં 29 ગણી વધુ ફાળવણી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં 1.28 લાખ કરોડના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. આ પ્રોજેક્ટમાં ટ્રેકનું નિર્માણ, સ્ટેશનનું રીડેવલપમેન્ટ અને સુરક્ષામાં મોટા સુધારા સામેલ છે. જેનાથી સંપૂર્ણ નેટવર્કમાં લાંબા સમય સુધી ક્ષમતામાં વધારો અને ઓપરેશનલ એફિસિયન્સી સુનિશ્ચિત કરી શકાશે. હવે ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરથી સામાન ઝડપથી પહોંચશે. આ ઉપરાંત દરિયા કિનારેથી સામાન ઝડપી પહોંચાડી શકાશે. ગુજરાતમાં ટ્રેન લાઈનનું સો ટકા વિદ્યુતિકરણ કરવામાં આવ્યું છે. આવતા વર્ષ સુધીમાં બુલેટ ટ્રેનનું કોમર્શિયલ કાર્ય શરૂ થવાની સંભાવનાઓ છે.

19 સ્ટેશનો પર રીડેવલપમેન્ટનું કામ પૂર્ણ

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, અમૃત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતમાં 87 રેલવે સ્ટેશનોને કૂલ 6058 કરોડના રોકાણથી સંપૂર્ણ રીડેવલપમેન્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં હાપા, જામ જોધપુર, મોરબી, ઓખા, પાલિતાણા, પોરબંદર અને અન્ય સ્ટેશનો સહિત 19 સ્ટેશનો પર રીડેવલપમેન્ટનું કામ પહેલા પૂર્ણ થઈ ચૂક્યું છે. જેનાથી યાત્રીઓની સુવિધાઓ અને સ્ટેશનની સુંદરતામાં વધારો થયો છે. ગુજરાતમાં આધુનિક ટ્રેન સેવાઓની શરૂઆતથી જ યાત્રિઓની સુવિધા અને યાત્રાને સરળ થવામાં વધારો થયો છે. હાલ રાજ્યમાં વંદે ભારત એક્સપ્રેસની પાંચ પેર, અમૃત ભારત એક્સપ્રેસની એક પેર, નમો ભારત એક્સપ્રેસની એક પેરની સુવિધા કાર્યરત છે. આ સેવાઓ યાત્રિઓને ફાસ્ટ, સુરક્ષિત અને વધુ આરામદાયક યાત્રાનો વિકલ્પ આપે છે.

આ પણ વાંચોઃ Surat News: અટોદરામાં અસામાજિક તત્ત્વોનો આતંક, મોડી રાતે ઘરમાં બોમ્બ ફોડ્યા



  • Follow us on: