અમદાવાદ શહેરમાં આવેલો સુભાષ બ્રિજ મેન્ટેનન્સના કારણે બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલો સુભાષ બ્રિજ શહેરના પૂર્વ-પશ્ચિમ ભાગોને જોડે છે. સુભાષ બ્રિજ પર જાળવણીની કામગીરી ચાલી રહી છે, જે કારણે 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના ટ્રાફિકને સરળ બનાવવા માટે અમદાવાદ શહેર પોલીસે વૈકલ્પિક રોડ ડાઇવર્ઝન (માર્ગ પરિવર્તન)ની વ્યવસ્થા કરી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે સુભાષ બ્રિજની સ્થળ મુલાકાત લીધી
આ વ્યવસ્થાપનની સમીક્ષા કરવા અને આગામી આયોજન અંગે ચર્ચા કરવા માટે, આજ રોજ સવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે સુભાષ બ્રિજની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે આ દરમિયાન ટ્રાફિકની સ્થિતિ અને ડાઇવર્ઝન વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આ મહત્વપૂર્ણ ચર્ચામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓ પણ જોડાયા હતા અને નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે અંગેની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી.













