અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે તારીખ 9, 10 અને 11 જાન્યુઆરી-2026 ના રોજ યોજાનાર આ પ્રોપર્ટી શૉ ને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજનો દિવસ રાજ્ય અને દેશ માટે ઐતિહાસિક છે.વડાપ્રધાન મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં આજે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ છે, જે ભારતની અડગ શ્રદ્ધા, સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતિક છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સોમનાથ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસ અને સ્વાભિમાનનું પ્રતીક છે. ઇતિહાસમાં અનેક વખત આ દેશની સંસ્કૃતિને તોડવાનો પ્રયાસ થયો, પરંતુ ભારતે હંમેશા એમાંથી બહાર આવી વિશ્વભરમાં પોતાનો ડંકો વગાડ્યો છે.
સામાન્ય નાગરિકનું જીવન સુખાકારીવાળું બન્યું
તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન હંમેશ વિકાસની સાથે વિરાસતના સંરક્ષણ પર ભાર મૂકે છે. મંદિરો આપણી આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રો છે, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સાતત્ય, પ્રામાણિકતા અને સંકલ્પ જાળવવો એ પણ આપણી સંસ્કૃતિની શક્તિ છે. જેણે સાતત્ય જાળવ્યું છે, તે વ્યક્તિ કે સંસ્થા દરેક પડકારમાંથી બહાર આવી આગળ વધે છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનએ સેવા દાયિત્વ સાંભળ્યા પછી પ્રથમ કેબિનેટ બેઠકમાં ગરીબ અને સામાન્ય માનવી માટે પાકા મકાનની યોજનાને મંજૂરી આપી, એ એમના સંવેદનશીલ અને લોકકેન્દ્રિત નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ છે. આજે બનતા આવાસોમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે સામાન્ય નાગરિકનું જીવન સુખાકારીવાળું બન્યું છે.













