અમદાવાદની અત્યંત સુરક્ષિત મણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેલના નવી જેલ વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન યાર્ડમાં બંધ કેદી નિશાંનસિંઘ લુહારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, નિશાંનસિંઘે પોતાની પાઘડીના કાપડનો ઉપયોગ કરી ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ જેલના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.


રાણીપ પોલીસની તપાસ તેજ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક કેદી નિશાંનસિંઘ લુહારની રેલવે પોલીસ દ્વારા ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી અને તે જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેદી છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનું અનુમાન છે, જેના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોઈ શકે છે. હાલમાં રાણીપ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જેલની બેરેકમાં કેદીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો તે દિશામાં ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Rajkot કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આટકોટમાં બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ રામસિંગને ફાંસી


  • Follow us on: