અમદાવાદના હ્રદય સમાન ગણાતા સી.જી રોડ પર ટ્રાફિકની સમસ્યાને હલ કરવાને બદલે AMCના અધિકારીઓએ કરેલા નવા પ્રયોગથી વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. નવરંગપુરાના જાણીતા ગિરીશ કોલ્ડ્રિંક્સની પાછળના માર્ગ પર કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી હાલ ચર્ચાનો વિષય બની છે.


AMCના અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યુ

સ્થાનિક લોકો અને વાહન ચાલોકોનો આરોપ છે કે AMCના અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યુ છે. અહીં હયાત રોડની જે પહોળાઇ હતી. તેના આશરે 50 ટકા ભાગમાં પાર્કિગ, ફૂટપાથ અને યુટિલિટી ડક્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરિણામે, જે રસ્તા પરથી વાહનો પસાર થવાના છે, તે અત્યંત સાંકડો બની ગયો છે.

ટ્રાફિક જામની ભીતિ

સામાન્ય રીતે રસ્તાઓ પહોળા કરવાની માગ થતી હોય છે. ત્યારે અહીં ઉલટી ગંગા વહી રહી છે. રોડ કરતાં ફૂટપાથ અને પાર્કિગ માટે વધુ જગ્યા ફાળવી દેવાતા પીક અવર્સ દરમિયાન અહીં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જો રસ્તો જ સાંકડો કરી દેવામાં આવશે તો પાર્કિંગ સુધી વાહનો પહોંચશે કેવી રીતે?

સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે વિરોધના સૂર ઉઠ્યા

કોર્પોરેશનના આ 'સ્માર્ટ' આયોજન સામે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે વિરોધના સૂર ઉઠ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ભૂલ સુધારે છે કે પછી વાહનચાલકોએ આ સાંકડા રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર થવું પડશે.

AMC ડેપ્યુટી મેયર જતીન પટેલ અને દેવાંગ દાણી દોડી આવ્યા

સમગ્ર બાબતની જાણ થતાની સાથે જ AMC ડેપ્યુટી મેયર જતીન પટેલ અને દેવાંગ દાણી સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ જે ચાલુ કામ હતુ તે અટકાવી દેવામાં આવ્યુ છે. સમગ્ર મામલે ડિઝાઇન મંજૂર કરનાર અધિકારી પાસે તેનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. રોડની જો વાત કરવામાં આવે તો હાલમાં 18 મીટરનો રોડ છે. જેમાંથી ફૂટપાથ 2.3 મીટર અને યુટિલિટી માટે 1.2 મીટર.પાર્કિગને લઇને 2.3 મીટરમાં કામ ચાલુ કરી દેવામાં આવ્યુ છે. એટલે કે કામગીરી કરાતા રોડ માત્ર 9 મીટરનો જ રહ્યો. 

આ પણ વાંચોઃ Patan News: ચાણસ્મામાં ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો નકલી તબીબ પોલીસ સકંજામાં

  • Follow us on: