સ્માર્ટ સિટી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના શેલો VIP રોડ પર તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરતા લાઈટ પોલ હટાવ્યા વગર જ રોડ બનાવી દીધો છે. નવાઈની વાત એ છે કે આ વીજ થાંભલા રોડની સાઈડમાં નહીં પરંતુ બિલકુલ વચ્ચે ઉભેલા જોવા મળી રહ્યા છે. તંત્રએ ઉતાવળમાં રોડનું કામ પૂરું કરવા માટે વીજ કંપની સાથે સંકલન સાધ્યા વગર જ ડામરનું પડ પાથરી દીધું છે, જેના કારણે અત્યારે આ VIP રોડ અકસ્માત ઝોન બની ગયો છે.
જીવના જોખમે મુસાફરી
આ અંધેર વહીવટને કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે રોડની વચ્ચે ઉભેલા આ થાંભલાઓ જીવલેણ અકસ્માત સર્જી શકે તેમ છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું એન્જિનિયરો અને સુપરવાઈઝરોને કામગીરી દરમિયાન આ થાંભલા નજરે પડ્યા નહોતા? હાલમાં સોશિયલ મીડિયા પર આ ગેરવહીવટના ફોટા વાયરલ થઈ રહ્યા છે અને લોકો 'સ્માર્ટ સિટી' ના નામે થઈ રહેલી આવી કામગીરી સામે ફિટકાર વરસાવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ ભૂલ સુધારે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવે છે.













