ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. દાહોદ જિલ્લાના રતનમહાલના જંગલોમાં છેલ્લા સવા વર્ષથી એક નર વાઘે પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું છે. આ નર વાઘના કાયમી વસવાટ બાદ હવે રાજ્ય સરકાર અને NTCA (નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી) દ્વારા રતનમહાલમાં માદા વાઘ લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


વન કર્મીઓને અપાઈ રહી છે વિશેષ તાલીમ

NTCA દ્વારા વાઘની સુરક્ષા અને દેખરેખ માટે ગુજરાતના વન વિભાગના કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. રતનમહાલમાં વાઘના આગમન સાથે જ ગુજરાત હવે સત્તાવાર રીતે ભારતની 'ટાઈગર સેન્સસ 2026' માં સામેલ થશે. સેન્સસની કામગીરી પૂર્ણ થયા બાદ અને અનુકૂળ વાતાવરણની ચકાસણી પછી જંગલના રાજા માટે માદા વાઘને લાવવામાં આવશે.

33 વર્ષ બાદ ગુજરાતમાં વાઘ સ્થાયી થયો

નોંધનીય છે કે, વર્ષ 1989 પછી ગુજરાતમાં વાઘ જોવા મળતા બંધ થયા હતા. જોકે, ફેબ્રુઆરી 2025થી એક વાઘ મધ્યપ્રદેશના જંગલોમાંથી આવીને દાહોદના રતનમહાલમાં સ્થાયી થયો છે. આ વાઘના લાંબા ગાળાના વસવાટને જોતા હવે રતનમહાલને ભવિષ્યમાં 'ટાઈગર રિઝર્વ' તરીકે વિકસાવવાની પણ વિચારણા ચાલી રહી છે. માદા વાઘના આગમનથી રાજ્યમાં વાઘની વસ્તીમાં વધારો થવાની આશા સેવાઈ રહી છે.

 રતનમહાલમાં તે સ્થાયી છે

રાજ્યના પીસીસીએફ ડો.જયપાલસિંહે સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે દાહોદમાં લાંબા સમય પછી વાઘ આવેલો છે. રતનમહાલમાં તે સ્થાયી છે. વચ્ચે છોટાઉદેપુર અને દેવગઢ બારીયા વિસ્તારમાં પણ દેખાયો હતો. પણ મોટેભાગે પહેલા તે જોવા મળ્યો ત્યાંજ રતન મહાલ વિસ્તારમાં જ છે. હાલ ટાઇગર સેસન્સ માટે સ્થાનિક સ્તરે સ્ટાફને તાલીમ અપાઇ રહી છે. ટાઇગર સેન્સેસ સાઇન્ટીફીટેક રીતે કરવાનું છે તેમાં આ ટાઇગરનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ માદા વાઘ લાવવા માટેના પ્રયાસો શરુ કરાશે. હાલ અમે સંકલનમાં છીએ હાલ સેસન્સમાં લઇને આગળની કાર્યવાહી કરાશે. 


આ પણ વાંચો----     Bhavnagar : સોની દંપતી હત્યા કેસમાં મોટો ખુલાસો, શ્રવણ બન્યો કસાઈ, પત્ની સાથે મળી માતા પિતાની હત્યા કરી

  • Follow us on: