દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ નગરપાલિકા ભવનમાં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. પાલિકાના મીટિંગ હોલમાં હાઈવોલ્ટેજને કારણે એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. સદનસીબે ફાયર વિભાગની તત્પરતાને કારણે એક મોટી હોનારત ટળી છે અને કચેરીના મહત્વના દસ્તાવેજો સુરક્ષિત બચાવી લેવાયા છે.
ઓડિટની કામગીરી દરમિયાન લાગી આગ
ઘટનાની મળતી માહિતી અનુસાર, દેવગઢબારીઆ નગરપાલિકામાં હાલ ઓડિટની કામગીરી ચાલી રહી છે, જેને લઈને મીટિંગ હોલમાં વહીવટી પ્રક્રિયાઓ શરૂ હતી. આ દરમિયાન અચાનક વીજ પ્રવાહમાં વધઘટ થતા એસીમાં શોર્ટ સર્કિટ થયું હતું અને આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ અને ધુમાડો સમગ્ર હોલમાં ફેલાઈ જતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.













