વડોદરાના હરણી તળાવ ખાતે સર્જાયેલા ગોઝારા બોટકાંડમાં વળતર ચૂકવવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન, દુર્ઘટના સાથે સંકળાયેલી મેસર્સ કોટિયા પ્રોજેક્ટ નામની કંપનીના ઉડાઉ જવાબથી કોર્ટ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, કોર્ટ દ્વારા વળતર ચૂકવવાની કાર્યવાહીમાં મેસર્સ કોટિયા પ્રોજેક્ટ તરફથી મનમાની અને અનિચ્છા દર્શાવવામાં આવતા હાઇકોર્ટે સખત શબ્દોમાં ટકોર કરી હતી. કંપનીએ હાઇકોર્ટમાં જવાબ આપ્યો હતો કે વળતર આપવાની જવાબદારી તેમની સાથે જોડાયેલી અન્ય કંપનીઓ – ડોલ્ફીન પ્રોજેક્ટ અને ટ્રાઇસ્ટ્રાય પ્રોજેક્ટ – ની પણ છે, અને તેમણે પણ વળતર ચૂકવવું જોઈએ.
કોટિયા પ્રોજેક્ટના ઉડાઉ જવાબથી HC નારાજ
મેસર્સ કોટિયા પ્રોજેક્ટના આ જવાબથી કોર્ટ નારાજ થઈ હતી. ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "પીડિતો વળતરની માંગ કરે ત્યાં આવા નાટક અયોગ્ય છે." વળતર ચૂકવવાથી હાથ ખંખેરવાના પ્રયાસ તરીકે કોર્ટે આ જવાબને જોયો હતો. કોર્ટે તાત્કાલિક અસરથી મેસર્સ કોટિયા પ્રોજેક્ટને ડોલ્ફીન અને ટ્રાઇસ્ટ્રાય પ્રોજેક્ટ સાથેના તેમના સંબંધો, ભાગીદારી અને વ્યવહાર અંગેના તમામ પુરાવા રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે દુર્ઘટના માટે જવાબદાર તમામ કંપનીઓ વળતરની જવાબદારીમાંથી છટકી શકશે નહીં અને આ મામલે કોર્ટની કાર્યવાહી આગળ વધશે.













