ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નો સમાપન સમારોહ યોજાયો હતો. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહમાં ગાંધીનગર લોકસભા સાંસદ તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંડર ૧૭ અને ઓપન એજ ગ્રુપમાં કબડ્ડી, ખો-ખો અને વોલીબોલની વિજેતા ટીમોને સન્માનિત કરવામાં આવી હતી.
આ વિચાર આજે વટવૃક્ષ બન્યો છે
સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ના સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન મોદીએ પાંચ વર્ષ પહેલા ખેલકૂદ મહોત્સવના આયોજનનો વિચાર આપ્યો હતો. આ વિચાર આજે વટવૃક્ષ બન્યો છે. સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત દેશમાં ૩૦૦થી વઘુ મત વિસ્તારમાં લાખો ખેલાડીઓ ખેલ, ફિટનેસ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. સાથે સાથે અનેક ખેલાડીઓને તેમની પ્રતિભા વિકસાવવાનું પ્લેટફોર્મ મળ્યું, જેનાથી ટેલેન્ટ સર્ચની શરૂઆત થઈ છે.
સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આગળ વધવાની શિક્ષા
તેમણે જણાવ્યું હતું કે,નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ખેલ મહાકુંભ શરૂ કર્યો હતો,આજે દેશના વડાપ્રધાન તરીકે તેમણે દેશના યુવાનોને રમત ગમત માટેની જિજ્ઞાસા , સુવિધા, તાલીમ, સ્પર્ધાની પ્રેરણા આપી છે. માણસના જીવનમાં રમત ગમતનું વિશેષ મહત્વ રહેલું છે. હાર્યા પછી જીતવાની શીખ સાથે ઝનૂનથી આગળ વધવાનો ગુણ દરેક ક્ષેત્રે આગળ લઈ જાય છે, સાથે જીતેલા રમતવીરને અહંકારી થયા વગર સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આગળ વધવાની શિક્ષા આપે છે.
રમતોત્સવમાં ૧.૫૭ લાખથી વધુ ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન
તેમણે ગાંધીનગર લોકસભામાં થયેલ મહોત્સવની માહિતી આપતા જણાવ્યું હતું કે, ત્રણ ચરણમાં યોજાયેલ રમતોત્સવમાં ૧.૫૭ લાખથી વધુ ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન થયું છે,જેમાં ૮૭ હજાર પુરુષ અને ૭૦ હજાર મહિલા ખેલાડીઓ સામેલ થયા હતા તેમ જણાવી આગામી સમયમાં મહિલા ખેલાડીઓ વધુ રજિસ્ટ્રેશન કરાવે તેવી અપીલ કરી હતી. તેમણે વિજેતા થયેલા ૮૫૦૦ ખેલાડીઓને અભિનંદન આપવાની સાથે પરાજિત થયેલ ખેલાડીઓને જીજીવિષા અને મહત્વકાંક્ષાને જીવનના પ્રેરણા સ્ત્રોત બનાવી આગળ વધવા આહવાન કર્યું હતું.
દેશના રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ
કેન્દ્રીય ગૃહ મંત્રીએ આણંદ માં ૫૯ હજાર ખેલાડીઓના રજિસ્ટ્રેશન માટે પદાધિકારીઓએ અભિનંદન અપાતા જણાવ્યું હતું કે, શિસ્ત,ધ્યેય,ટીમ ભાવના અને ખેલદિલી જેવા ગુણોનો વિકાસ રમત ગમત થકી થાય છે, સાથે સાથે પ્રતિભાની પહેચાન, સ્વ-પરિચય, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, સાથે નશા મુક્ત ભારત અભિયાનને આગળ વધારવાનું કામ સાંસદ ખેલ મહોત્સવથી થાય છે.દેશના રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે વડાપ્રધાન મોદીએ અનેકવિધ યોજનાઓ શરૂ કરાવી છે.વર્ષ ૨૦૧૪માં કેન્દ્ર સરકારનું રમત ગમત ક્ષેત્રનું બજેટ ૮૦૦ કરોડ હતું, જે પાંચ ગણું વધીને ૨૦૨૫માં ૪૦૦૦ કરોડ થયું છે. દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓના લીધે વિવિધ મહત્વની સ્પર્ધાઓમાં મેડલની સંખ્યા પણ વધી છે.
આ પણ વાંચોઃ Gujarat News: નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે