અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા વાનર વટ તળાવ પાસે આજે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ડિમોલિશનને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારોના કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે. સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે ચોમાસામાં અહીં પાણી ભરાય છે કે રસ્તા પર મોટા ખાડા પડે છે, ત્યારે તંત્રનો કોઈ અધિકારી ડોકાતો નથી, પરંતુ ગરીબોના ઘર તોડવા માટે તંત્ર આખી ફોજ લઈને પહોંચી જાય છે. પોતાના હૈયા વરાળ ઠાલવતા લોકોની આંખમાં આંસુ સ્પષ્ટપણે જોઈ શકાતા હતા.
વટવામાં ડિમોલિશન બાદ સ્થળાંતર
ડિમોલિશનની આ કામગીરી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અંદાજે 200 જેટલા અસરગ્રસ્ત લોકોને બસો ભરીને આશ્રય હોમ (Shelter Homes) ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તંત્ર દ્વારા રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા તો કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોમાં પોતાના ભવિષ્યને લઈ ચિંતા છે. અસરગ્રસ્તોની મુખ્ય માંગ છે કે તેઓ વર્ષોથી અહીં રહેતા હોવાથી તંત્ર તેમને 'ઘર સામે ઘર' એટલે કે પાકા આવાસની ફાળવણી કરે. માલ-સામાન સાથે અન્ય સ્થળે જવા મજબૂર બનેલા આ લોકોના ચહેરા પર પોતાના મૂળ નિવાસસ્થાન છૂટ્યાનું દુઃખ અને અનિશ્ચિત ભવિષ્યનો ડર સાફ દેખાઈ રહ્યો હતો.













