અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વટવા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મેગા ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન તંત્ર દ્વારા 450થી વધુ કાચા અને પાકા મકાનો તેમજ દુકાનોને તોડી પાડવામાં આવ્યા છે. લાંબા સમયથી ખડકાયેલા આ દબાણોને દૂર કરવા માટે એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ કાફલા સાથે મેદાને ઉતરી હતી. પ્રથમ દિવસની કાર્યવાહી બાદ આજે બીજા દિવસે પણ જેસીબી મશીનો દ્વારા મોટા પાયે કાટમાળ હટાવવાની અને જગ્યા ચોખ્ખી કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
AMCની મોટી કાર્યવાહી
આ ઓપરેશનને કારણે સેંકડો લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે, જોકે માનવતાવાદી અભિગમ અપનાવતા AMC દ્વારા ઘર વિહોણા બનેલા લોકો માટે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા અનુસાર, હજુ પણ વિસ્તારમાં કેટલાક ગેરકાયદે બાંધકામો બાકી છે, જેમને તોડવાની પ્રક્રિયા આગામી દિવસોમાં સતત ચાલુ રાખવામાં આવશે. આ કામગીરીને પગલે સ્થાનિકોમાં ક્યાંક રોષ તો ક્યાંક ફફડાટ જોવા મળ્યો હતો, પરંતુ શહેરના સુયોજિત વિકાસ માટે દબાણ મુક્તિ અનિવાર્ય હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.













