રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરી છે. ખાસ કરીને કચ્છ, રાજકોટ સહિતના વિસ્તારોમાં આજે હિટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે આવતીકાલે અમદાવાદ, વડોદરા અને બનાસકાંઠામાં પણ ગરમીનો તાપ વધવાની શક્યતા છે. ગરમીના કારણે લોકોના આરોગ્ય પર અસર ન થાય તે માટે તબીબો પણ ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.
લોકોને દિવસ દરમિયાન તીવ્ર ગરમીનો અનુભવ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાનો છે. આજે કચ્છ અને રાજકોટ જિલ્લામાં હિટવેવ રહેવાની શક્યતા છે. જ્યારે આવતીકાલે અમદાવાદ, વડોદરા અને બનાસકાંઠામાં ગરમીનો પારો વધુ ચઢી શકે છે.આ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા ઉકળાટભર્યું વાતાવરણ સર્જાશે. ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાતા ગરમ પવનોના કારણે લોકોને દિવસ દરમિયાન તીવ્ર ગરમીનો અનુભવ થશે.
હિટવેવ દરમિયાન ખાસ સાવચેતી રાખવી જરૂરી
તબીબોના જણાવ્યા મુજબ હિટવેવ દરમિયાન ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા સુધી શક્ય હોય તેટલું બહાર ન નીકળવું જોઈએ. પૂરતું પાણી પીવું, લીંબુ પાણી, છાસ અને ઓઆરએસ જેવા પ્રવાહીનું સેવન કરવું જોઈએ.બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. બહાર જવું પડે તો છત્રી, ટોપી અથવા રૂમાલનો ઉપયોગ કરવો અને હળવા તથા કોટન કપડાં પહેરવા જોઈએ.
લાંબા સમય સુધી તડકામાં રહેવું ટાળવું
ગરમીના દિવસોમાં શરીરમાં પાણીની ઉણપ ન થાય તે માટે વધુ પ્રવાહી લેવો જોઈએ. લાંબા સમય સુધી તડકામાં રહેવું ટાળવું જોઈએ, નહીં તો હીટસ્ટ્રોક જેવી સમસ્યા થઈ શકે.” જો કે ગરમીની આગાહી વચ્ચે શહેરના રોડ રસ્તા મૃગજળ સમાંન જોવા મળી રહ્યા છે ત્યારે રોડ પણ સન્નનાટામય જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધુ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. તેથી લોકો સાવચેતી રાખે અને તબીબોની સલાહનું પાલન કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે.
આ પણ વાંચોઃ PM Modi: રાષ્ટ્રપતિનું અપમાન એ દેશનું અપમાન, રાષ્ટ્રપતિના પ્રોટોકોલ પર બોલ્યા PM મોદી