બનાસકાંઠામાં અંબાજી પાસેના પાડલિયા ગામમાં પોલીસ અને વન કર્મીઓ પર પથ્થર અને તીર કામઠા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 47 અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ પોલીસે ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને પંચનામું કર્યું હતું અને 500 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. આ ઘટનામાં હવે બેઠકોનો દોર શરૂ થયો છે. અંબાજીમાં રેન્જ IG ચિરાગ કોરડીયાએ SP અને DySP સાથે બેઠક કરી ઘટનાનો તાગ મેળવ્યો હતો. અંબાજી પોલીસ મથકની બહાર પોલીસ તૈનાત કરી દેવાઈ છે.


કોના કહેવાથી આદિવાસીઓ પર અત્યાચાર કરાયો: કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી

આ ઘટના બાદ આદિવાસી સમાજના આગેવાનો એકઠા થયાં છે. જેમાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ હાજર રહ્યાં છે. હુમલાની ઘટનાના નિરાકરણ અંગે આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આગામી સમયમાં આવી ઘટના ના બને તે અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી. ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું હતું કે, કરતા હરતાને મારી ચેલેન્જ છે. પોલીસ અને અધિકારીઓને હાથો બનાવ્યા છે. કોના કહેવાથી આદિવાસીઓ પર અત્યાચાર કરાયો. આદિવાસીઓને જેટલા મારવા હોય એટલા મારો. આ ભુલાશે નહીં એનો બદલો લીધે છૂટકો છે.

સમાજને ન્યાય નહીં મળે તો આ ભડકો મોટો થશે- ભાજપના નેતા લાઘુ પારઘી

ભાજપના આગેવાન લાધુ પારગીએ કહ્યું હતું કે, વહિવટી તંત્રના કારણે સરકાર બદનામ થાય છે. વહિવટી તંત્રએ નોટીસ આપી આ કામ કરવાનું હતું. આદિવાસી સમાજ ભોળો છે. વહિવટી તંત્રએ લોકોને સમજાવવા હતાં અને અમારા જેવા આગેવાનોને સાથે રાખીને કામ કરવાનું હતું. અમને ખબર પડી છે કે, પોલીસ અને જંગલ ખાતા વાળા માર મારવા માંડ્યા હતાં. જેથી બચવા માટે હુમલો કરાયો છે. હજુ સમય છે આમાં મોટુ કરવા જેવું કશું જ નથી. આદિવાસી સમાજ અને વહિવટી તંત્રએ બચવું જોઈએ. ગુનો દાખલ કરવો એ પોલીસના હાથમાં છે. મારા સમાજ સાથે આવું થયું એટલે આખી વાત સરકાર સુધી લઈ જઈશ. પોલીસ દ્વારા અટકાયત કરાશે અને સમાજને ન્યાય નહીં મળે તો આ ભડકો મોટો થશે.


આ પણ વાંચોઃ Surendranagar: ભૂ-માફિયાઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું, હુમલાખોરો સામે કડક કાર્યવાહી


  • Follow us on: