તાજેતરમાં અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ અને વન વિભાગના અધિકારીઓ પર તીર કામઠા અને પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 47 જેટલા અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતાં. ત્યાર બાદ સમગ્ર ગામમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસે ગઈકાલે સમગ્ર ઘટનામાં પંચનામાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જેમાં 500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. કેટલાક લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં જિલ્લા કલેક્ટરે આદિવાસી સમાજના લોકોને અપીલ કરી છે.
જિલ્લા કલેક્ટરની લોકોને અપીલ
બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પાડલિયા ગામના આદિવાસી સમાજના લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, હિંસા કોઈ પ્રશ્નનો ઉકેલ નથી. સકારાત્મક ચર્ચા અને સંવાદમાં હિંસાને સ્થાન નથી. નિર્દોષ લોકોને કોઈ હાની નહીં થાય. કાયદો અને વ્યવસ્થા હાથમાં લેનારા લોકો સામે કાર્યવાહી થશે. જિલ્લા કલેક્ટરે લોકોને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ કરીને સંદેશો આપ્યો હતો.













