મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપતા અને જન સુખાકારીના 700થી વધુ કરોડના 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાની પ્રગતિને નવી દિશા આપતા પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ આપી અમરેલી એ.પી.એમ.સી ખાતે વિશાળ જનસભા સંબોધી હતી.ખેડૂતોના ઉત્પાદનોના રક્ષણ માટે 12 કરોડના ખર્ચે બે લાખ ચોરસ ફૂટમાં નિર્મિત વિરાટ શેડનું તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર ઉદાર હાથે જોઈએ તેટલા નાણા આપશે.
ધારાસભ્યોને દર વર્ષે 50 લાખની અલગથી ગ્રાન્ટ
તેમણે ઉમેર્યું હતું કે, અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે એક નવી તત્પરતા પણ જોવા મળી રહી છે, તાજેતરમાં યોજાયેલી સૌરાષ્ટ્ર રીજનલ વાઇબ્રન્ટ સમિટમાં માત્ર અમરેલી જિલ્લાના વિકાસ માટે જુદા જુદા પ્રોજેક્ટમાં રોકાણ અર્થે આશરે 36000 કરોડના એમ.ઓ.યુ પણ થયા છે. ઉપરાંત એક નવી જી.આઈ.ડી.સી પણ મંજુર કરવામાં આવી છે. છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે આયોજનબદ્ધ વિકાસ કાર્યો થાય તે જરૂરી છે, સાથે જ શહેરોમાં જે સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે તેટલી જ ગ્રામ્ય વિસ્તારમાં આપવા માટે ભાર મૂક્યો હતો. આજે ગુજરાતમાં નાણાંના અભાવે વિકાસનું કોઈપણ કાર્ય અટકતું નથી. અમરેલી જિલ્લાના લોકો પાણી માટેની મુશ્કેલીઓની પરિસ્થિતિને સારી રીતે અવગત છે, વરસાદી પાણીના સંગ્રહ માટે ધારાસભ્યોને દર વર્ષે 50 લાખની અલગથી ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી છે.













