અમરેલી જિલ્લાના વડિયામાં આવેલી સરકારી કોલેજમાં આજે વિદ્યાર્થીઓએ શિક્ષણકાર્ય અને પ્રિન્સિપાલના વલણ સામે ભારે હોબાળો મચાવ્યો હતો. કોલેજમાં લાંબા સમયથી અધ્યાપકોની મોટી ઘટ હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય ખોરવાઈ રહ્યું છે. આ ગંભીર મુદ્દે જ્યારે વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલને રજૂઆત કરવા ગયા, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પ્રિન્સિપાલે તેમની સમસ્યા સાંભળવાને બદલે તેમની સાથે અત્યંત ગેરવર્તન અને મનમાની કરી હતી. પ્રિન્સિપાલના આ ઉદ્ધત વર્તનને કારણે વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેમણે કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.


ભણતર બગડતા વિદ્યાર્થીઓ લાલઘૂમ

વિદ્યાર્થીઓનું કહેવું છે કે અધ્યાપકોના અભાવે સિલેબસ પૂરો થતો નથી, જેના કારણે પરીક્ષા સમયે ભારે મુશ્કેલી પડે તેમ છે. કોલેજમાં શૈક્ષણિક વાતાવરણ ડામાડોળ હોવાનો આક્ષેપ કરતા વિદ્યાર્થીઓએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ માગ કરી છે કે તાત્કાલિક ધોરણે યોગ્ય અધ્યાપકોની નિમણૂક કરવામાં આવે અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરનારા પ્રિન્સિપાલની અહીંથી બદલી કરવામાં આવે. જો આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો વિદ્યાર્થીઓએ કોલેજને તાળાબંધી કરવાની અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ પણ વાંચો : Ahmedabad News : ધંધુકા-ફેદરા માર્ગ લોહીલુહાણ, કાર અને રિક્ષા વચ્ચેના ભીષણ અકસ્માતમાં મહિલાનું કરુણ મોત



  • Follow us on: