સમગ્ર માર્ગ પર સરદાર યાત્રાના વધામણાની સાથે રાષ્ટ્રપ્રેમના અદ્દભુત વાતાવરણનું નિર્માણ થયું હતું. આ પદયાત્રાના આજના ત્રીજા દિવસે આંકલાવ ખાતેના શુભારંભ સ્થળેથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી એસ.પી. સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ટમ્ટા સહિતના આગેવાનો પણ પદયાત્રામાં જોડાયા હતા.
આ સ્વપ્ન સાકાર થાય તેમજ જન જન સુધી તેનો સંદેશ પહોંચે તેવા ઉદ્દેશ સાથે આ રાષ્ટ્રીય એકતા પદયાત્રા યોજાઇ છે
આંકલાવથી પ્રારંભ થયેલી આ પદયાત્રામાં “જય જય સરદાર”, “વંદે માતરમ્” સાથે “My ભારત”, “વિકસિત ભારત” અને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના નારા સાથે સમગ્ર પદયાત્રા પથ ગુંજી ઉઠ્યો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150 જન્મજયંતિના અવસરે સરદાર@૧૫૦ : યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે, તેમણે શ્રેષ્ઠ ભારતના નિર્માણની પરિકલ્પના કરી હતી તેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભારતવર્ષને એક ભારત શ્રેષ્ઠ ભારત તથા આત્મનિર્ભર ભારત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે.
સરદાર પ્રેમીઓના દેશભક્તિભર્યા ગીતો અને નારાઓએ પદયાત્રાને યાદગાર બનાવી હતી
રાષ્ટ્રીય એકતા પદયાત્રાના આજના અંદાજિત ૧૩ કિલોમીટરના રૂટમાં કલા-સંસ્કૃતિ સાથે રાષ્ટ્રીય એકતા, સમરસતા અને દેશભક્તિનો અદભુત સમન્વય જોવા મળ્યો. હઠીપુરા, ઉમેટા સહિતના વિસ્તારોમાં ગ્રામ્યજનોએ ભવ્ય સ્વાગત કરી પદયાત્રીઓને વધાવ્યા. પદયાત્રાનું પ્રારંભે કેન્દ્રીય મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવો તથા પદયાત્રીઓએ સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પદયાત્રા દરમિયાન યુવા ભારત અભિયાનના વોલન્ટિયરો, સ્કાઉટ-ગાઈડ, NCC, NSS, જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક સરદાર પ્રેમીઓના દેશભક્તિભર્યા ગીતો અને નારાઓએ પદયાત્રાને યાદગાર બનાવી હતી.
અનેક આગેવાનો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પદયાત્રામાં જોડાયા હતા
આંકલાવથી વડોદરાના સિંધરોટ સુધીના માર્ગ પર વિવિધ સ્થળોએ સ્વાગત-ગીતો, ગરબા અને ફૂલવર્ષાથી યાત્રાના વધામણા કરવામાં આવ્યા હતા. પદયાત્રીઓ માટે ઊભા કરવામાં આવેલા શરબત, પાણી, છાસ અને નાસ્તાના સ્ટોલોએ રાજ્ય અને રાજ્ય બહારથી આવેલા પદયાત્રીઓને ઉદાર આતિથ્યનો અનુભવ કરાવ્યો હતો. આંકલાવના હઠીપુરા અને ઉમેટા જેવા ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલી જનમેદનીએ રાષ્ટ્રીય એકતા માર્ચનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. આ પદયાત્રામાં રાજ્યસભા સાંસદ નરહરિ અમીન,સાંસદ મિતેશ ભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ,પોલીસ અધિક્ષક જસાણી, અધિક નિવાસી કલેકટર ઋતુરાજ દેસાઈ, પ્રાંત અધિકારી અમિત પટેલ, ખંભાત ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ,સંગઠનના અગ્રણીઓ તથા અનેક આગેવાનો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પદયાત્રામાં જોડાયા હતાં.
આ પણ વાંચો : ગુજરાતમાં વિકાસની મેચમાં વિજયી થવા માટે દાદાની ટીમ સજ્જ છે, જુઓ Video