લેઉવા પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર ગણાતા ખોડલધામ ટ્રસ્ટના સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલની વરણી કરવામાં આવી છે. આ મહત્વની જવાબદારી સંભાળ્યા બાદ અનાર પટેલે પોતાના નિવેદનથી રાજકીય ગલીયારીઓમાં ચાલતી ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂક્યું છે અને સંગઠનના આગામી વિઝન વિશે સ્પષ્ટતા કરી છે.


ખોડલધામ એ સેવાનું પ્લેટફોર્મ છે

ખોડલધામ અને રાજકારણ અંગે સ્પષ્ટતા કરતા અનાર પટેલે જણાવ્યુ કે, ખોડલધામ એ સેવાનું પ્લેટફોર્મ છે અને તેને રાજકારણ સાથે ન જોડાવું જોઇએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, મારે રાજકારણમાં આવવા માટે ખોડલધામના પ્લેટફોર્મની જરૂર નથી અને મેં મારી કોઇ પણ રાજકીય પ્રોફાઇલ બનાવી નથી. વધુમાં તેમણે ઉમેર્યુ છે કે ખોડલધામની જરૂર રાજકીય પક્ષોને છે, સંસ્થાને રાજકારણની નથી. મીડિયા દ્વારા ચૂંટણી સમયે અપાતી ટિકીટોની અટકળો પર કટાક્ષ કરતા તેમણે કહ્યુ કે, દરેક વખતે ચૂંટણી આવે ત્યારે મીડિયા જ મને ટિકિટ આપી દે છે. જ્યારે મારો ઉદ્દેશ્ય માત્ર સેવા કરવાનો છે.

લગ્નમાં સ્વજનો કે પરિવારની સંમતિ નથી હોતી, તેને જ હું લવ મેરેજ ગણું છુંઃ અનાર પટેલ

નરેશ પટેલના નેતૃત્વ અને સામાજિક વિષયો પર અનાર પટેલે સ્પષ્ટ કર્યુ કે તેઓ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હેઠળ અને તેમના માર્ગદર્શન મુજબ જ સમાજ સેવાના કાર્યો કરશે. આ દરમિયાન તેમણે સામાજિક મુદ્દાઓ પર પણ વાત કરી હતી. ખાસ કરીને પ્રેમ લગ્ન અંગે તેમણે એક મહત્વનું નિવેદન આપતા કહ્યુ કે જે લગ્નમાં સ્વજનો કે પરિવારની સંમતિ નથી હોતી, તેને જ હું લવ મેરેજ ગણું છું. અનાર પટેલની આ નવી ભૂમિકા સામાજિક સંગઠનને વધુ મજબૂત બનાવશે તેવી આશા છે. તેમના નિવેદનો સૂચવે છે કે તેઓ આગામી સમયમાં માત્ર પાટીદાર સમાજ જ નહીં. પરંતુ સર્વસમાજની સેવા માટે ખોડલધામના માધ્યમથી સક્રિય રહેશે.

આ પણ વાંચોઃ Surat: તડકેશ્વરમાં ધરાશાયી ટાંકીના સેમ્પલ લેવાયા, 5 જવાબદારો સામે ગાળિયો કસાયો


  • Follow us on: