બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વધુ એક વખત પાલિકાના અણગઢ વહીવટને કારણે સરકારના લાખો રૂપિયાનો ધુમાડો થયો છે. પાલનપુરમાં માત્ર બે મહિના પહેલા જે રસ્તા નું લાખો રૂપિયાના ખર્ચે લોકાર્પણ થયું એ જ રસ્તા પર પાલિકાએ જેસીબી ફેરવી દીધું. પાલિકાએ લાખો રૂપિયા ના ખર્ચે રસ્તો તો બનાવી દીધો પરંતુ ભૂગર્ભ ગટર નાખવાનું પાલિકા ભૂલી જ ગઈ.ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે રસ્તો બનતો હતો ત્યારે પાલિકાના સત્તાધીશો ભૂગર્ભ ગટરની વાત કેમ ભૂલી ગયા..?


માર્ગને બે મહિના પહેલા ડામર રોડ થી તૈયાર કરવામાં આવ્યો

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના જિલ્લા પંચાયતથી જીઆઇડીસી તરફ જતા મુખ્ય માર્ગને બે મહિના પહેલા ડામર રોડ થી તૈયાર કરવામાં આવ્યો હતો. વાહનચાલકોને આશા હતી કે હવે ખાડાઓમાંથી મુક્તિ મળશે પરંતુ પાલનપુર પાલિકાના અણગઢ વહીવટને કંઈક અલગ જ મંજૂર હતું. લાખોના ખર્ચે તૈયાર થયેલા આ માર્ગને આજે ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવા માટે ખોદી કાઢવામાં આવ્યો છે.

રસ્તો કેમ બનાવ્યો તે સવાલ

જો ગટર નાખવાની જ હતી તો રસ્તો કેમ બનાવ્યો અને જો રસ્તો બની ગયો હતો તો ગટર માટે બીજું આયોજન કેમ ન કરાયું? આ માત્ર બેદરકારી નથી પરંતુ જનતાના પરસેવાના પૈસાનો વેડફાટ છે.. એક તરફ સરકાર વિકાસની ગુલબાંગો પુકારે છે તો બીજી તરફ પાલનપુરની પાલિકા બનેલા રસ્તા તોડીને રિવર્સ ગેર માં કામ કરી રહી હોય તેવો ઘાટ ઘડાયો છે.

પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ

 મહત્વની વાત તો એ છે કે પાલિકાના સત્તા પક્ષના શાસકોએ સરકારના લાખો રૂપિયાનું ધુમાડો તો કરી દીધો પરંતુ આ બધાની વચ્ચે વિપક્ષ પણ મુક પ્રેક્ષક છે અને તેને જ કારણે વિપક્ષની ભૂમિકા પણ અત્યારે શંકાના દાયરામાં છે તે વચ્ચે સ્થાનિક નગરજનોએ પાલિકાની આ નીતિ ને જોતા પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે અને વહેલી તકે તંત્ર દ્વારા જવાબદારો સામે કડક પગલાં ભરી તેમની પાસેથી આર્થિક નુકસાન વસૂલવામાં આવે તેવી માંગ કરી છે.


આ પણ વાંચો----     Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

  • Follow us on: