બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી ઉપર બ્રિજ ન બનતા ગામોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ, પશુપાલકો સહિત ગ્રામજનો નદીના પાણીમાં જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. જોકે વર્ષોની માંગ બાદ પણ નદી ઉપર બ્રિજ ન બનતા આજે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને હાથમાં બ્રિજ બનાવવાની માંગના પેમ્પ્લેટો લઈને સુત્રોચાર કરતા ધરણા ઉપર બેસી ગયા હતા અને નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કર્યા બાદ ચીમકી ઉચ્ચારી હતી કે જો તાત્કાલિક બ્રિજ નહિ બને તો ચૂંટણી બહિષ્કારની સાથે સાથે ઉગ્ર આંદોલન કરીશું..
ગ્રામજનો વર્ષોથી જીવના જોખમે બનાસ નદીના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે
અમીરગઢના કાકવાડા ગામમાંથી બનાસ નદી પસાર થતી હોવાથી કાકવાડા ગામ સહિત આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ, પશુપાલકો અને ગ્રામજનો વર્ષોથી જીવના જોખમે બનાસ નદીના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. ચોમાસામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ અર્થે માથે દફતર મૂકીને ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવા મજબુર બનતા હોય છે તો હાલ ચોમાસાની કડકડતી ઠંડીમાં પણ બાળકો નદી માંથી પસાર થઈ રહ્યા છે.
બનાસ નદી ઉપર બ્રિજ બનાવવાની ગ્રામજનો વર્ષોથી માંગ
જો નદીમાં વધારે પાણી આવે તો બાળકોનો અભ્યાસ પણ બગડતો હોય છે તો પશુપાલકો અને ગ્રામજનોને 10 કિલોમીટર ફરીને સામે પર જવું પડે છે જેને લઈને બનાસ નદી ઉપર બ્રિજ બનાવવાની ગ્રામજનો વર્ષોથી માંગ કરી રહ્યા છે જેને લઈને તેમને અનેક વાર સ્થાનિક કક્ષાએથી ગાંધીનગર સુંધી પણ રજુઆત કરી છે.
બ્રિજ બનાવવાનું કહીને ખાતમુહૂર્ત કરીને જતા રહે છે
જોકે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ત્યાં આવે છે અને બ્રિજ બનાવવાનું કહીને ખાતમુહૂર્ત કરીને જતા રહે છે. એક વાર નહિ પણ સતત ચાર વખત અનેક નેતાઓએ આવીને ખાતમુહૂર્ત કર્યું જેને લઈને ગામલોકો અનેકવાર ઢોલ વગાડીને નેતાઓનું સ્વાગત પણ કર્યું પણ આજદિન સુધી બ્રિજ ન બનતા ગ્રામજનો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે.
10 જેટલા ગામોની અવરજવર છે
નદીમાં પાણીથી વિદ્યાર્થીઓનો અભ્યાસ તો બગડે જ છે સાથે સાથે નદી પાર રહેતા અને કાકવાડા ગામના પશુપાલકો પણ પરેશાન છે..પશુપાલકોને પણ નદી પાર કરી અને આવનજાવન કરવી પડે છે. કાકવાડા નદીના પટમાંથી અમીરગઢ જવા માટે 10 જેટલા ગામ સંકળાયેલા છે અને 10 જેટલા ગામોની અવરજવર છે. જોકે નદી પર બ્રિજ ન બનતા પશુપાલકો રાહદારીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાય છે.
ગામના લોકો વિધાર્થીઓ સાથે હાથમાં વિવિધ બેનરો લઈને પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા
જેને લઈને આજે કાકવાડા ગામના લોકો વિધાર્થીઓ સાથે હાથમાં વિવિધ બેનરો લઈને પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને બ્રિજ નહિ તો વોટ નહીના સુત્રોચાર કરીને ધરણા ઉપર બેઠા હતા અને ચૂંટણી બહિષ્કાર સાથે ચીમકી ઉચ્ચારી હતી કે જો તાત્કાલિક બ્રિજ નહિ બને તો અમે કાકવાડા સહિત આજુબાજુના ગામના લોકો કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીને ઉગ્ર આંદોલન કરીશું અને એકપણ નેતાને ગામમાં પ્રવેશવા નહિ દઈએ.
આ પણ વાંચો----- Dhoraji માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન, નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા