બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વડગામથી લીંબોઈ જતા રોડ પર પૂરઝડપે આવી રહેલા એક પીકઅપ ડાલાએ પેસેન્જર રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષામાં સવાર બે મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મૃતક બંને મહિલાઓ વડગામના લીંબોઈ ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વાતાવરણમાં ચીસિયારીઓ ગુંજી ઉઠી હતી.
વડગામ પંથકમાં શોકનું મોજું
ઘટનાની જાણ થતા જ વડગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મહિલાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પીકઅપ ચાલકની બેદરકારીને કારણે આ હોનારત સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે. લીંબોઈ ગામની બે મહિલાઓના એકસાથે મોત થતા સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો છે અને મૃતક પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે.













