બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં નવા માર્ગના ખાતમૂહૂર્ત પ્રસંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે ખેંચતાણ અને વિવાદ સર્જાયો છે. આ રોડનું સત્તાવાર ખાતમૂહૂર્ત ગુજરાત સરકારના મંત્રી પ્રવિણ માળીના હસ્તે થવાનું આયોજન હતું. જોકે, મંત્રી કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પોતાના સમર્થકો સાથે પહોંચીને માર્ગનું ખાતમૂહૂર્ત કરી દીધું હતું. આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે અને વિકાસના કામોનો શ્રેય લેવા માટે બંને પક્ષો વચ્ચેની લડાઈ જાહેરમાં આવી ગઈ છે.
ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ
ધારાસભ્ય કાંતિ ખરાડીની આ કામગીરીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસે શિષ્ટાચારનો ભંગ કર્યો છે. બીજી તરફ, ધારાસભ્યના સમર્થકોનું કહેવું છે કે વિસ્તારના વિકાસના કામોમાં વિલંબ થતો હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે. મંત્રી પ્રવિણ માળીના આગમન પૂર્વે જ થયેલા આ 'બિનસત્તાવાર' ખાતમૂહૂર્તના કારણે અમીરગઢના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને સોશિયલ મીડિયા પર પણ આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.













