ભરૂચના ઝઘડિયા તાલુકાના દધેડા ગામમાં થયેલી યુવાનની હત્યાના કેસમાં અંકલેશ્વર એડિશનલ સેસન્સ કોર્ટે ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
ચાર શખ્સ મહેમાન તરીકે રોકાયા હતા
ઉત્તરપ્રદેશના વતની જ્ઞાન બહાદુરસિંહ રાજપૂત વર્ષ 2017માં દિવાળી બાદ રોજગાર અર્થે સુરત આવ્યા હતા. દરમિયાન 11 ફેબ્રુઆરી 2018ના રોજ સાંજના સમયે તેઓ ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રહેતા જગદીશ રામકુમાર લોઢી, રામપ્રસાદ વર્મા, સુરેશ ઘનશ્યામ સરોજ અને રાકેશ સુરજપાલ સરોજના રૂમ પર મહેમાન તરીકે રોકાયા હતા.
ચારેય આરોપીઓએ જ્ઞાન બહાદુરસિંહની હત્યા કરી
આ દરમિયાન ચારેય આરોપીઓએ જ્ઞાન બહાદુરસિંહની હત્યા કરી તેમની પાસે રહેલા રૂ. 3.5 લાખ લૂંટી લીધા હતા. હત્યા બાદ મૃતદેહને ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક કંપની પાસે ફેંકી દીધો હતો.
પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી
ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. કેસની સુનાવણી અંકલેશ્વર સેસન્સ કોર્ટમાં ચાલી હતી, જેમાં સરકારી વકીલ જીગર પંચાલ દ્વારા 47 દસ્તાવેજી પુરાવા અને મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી.
ચારેય આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી
બંને પક્ષોની દલીલો બાદ એડિશનલ સેસન્સ જજ એસ.પી. રાહતકરે ચારેય આરોપીઓને દોષિત ઠેરવી તેમને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
આ પણ વાંચો---- DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ