ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના GIDC વિસ્તારમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીના એક નિર્ણય સામે સ્થાનિક રહીશોએ મોરચો માંડ્યો છે. રહેણાંક વિસ્તારમાં આવેલા બગીચાની જગ્યાને શાકમાર્કેટ માટે ફાળવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને રહીશોએ ઓથોરિટીની કચેરીમાં જઈ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
થાળી-વેલણ અને રામધૂન સાથે અનોખો વિરોધ
શાંત અને હરિયાળા વાતાવરણને જાળવી રાખવા મથતા સ્થાનિકોએ આજે નોટિફાઈડ એરિયા ઓથોરિટીની કચેરીને બાનમાં લીધી હતી. મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ કચેરીના કમ્પાઉન્ડમાં બેસીને થાળી-વેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ 'રામધૂન' બોલાવીને તંત્રના નિર્ણય સામે શાંતિપૂર્ણ પણ મક્કમ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
સ્થાનિકોની મુખ્ય ચિંતા: ગંદકી અને ટ્રાફિક
રહીશોની રજૂઆત છે કે, જો બગીચાની જગ્યાએ શાકમાર્કેટ શરૂ કરવામાં આવશે, તો સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાશે. વધુમાં શાકમાર્કેટને કારણે ખરીદદારોની ભીડ વધતા ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાશે, જેનો ભોગ આસપાસના રહીશોએ બનવું પડશે. સ્થાનિકોએ ભારપૂર્વક જણાવ્યું કે, બગીચો એ બાળકો માટે રમવાની અને વડીલો માટે ફરવાની જગ્યા છે, તેને ધંધાકીય હેતુ માટે વાપરવો અયોગ્ય છે.
આવેદનપત્ર આપી નિરાકરણની માંગ
દેખાવો બાદ સ્થાનિકોના પ્રતિનિધિમંડળે ઓથોરિટીના અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં માગ કરવામાં આવી છે કે, બગીચાની જગ્યા અકબંધ રાખવામાં આવે અને શાકમાર્કેટ માટે અન્ય કોઈ વૈકલ્પિક જગ્યા પસંદ કરવામાં આવે. જો તંત્ર દ્વારા આ માગ સ્વીકારવામાં નહીં આવે, તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો - Kutch News: પશ્ચિમ કચ્છ SOG પોલીસને મળી મોટી સફળતા, ભુજમાંથી MD ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ