ભરૂચ જિલ્લાને નશા મુક્ત કરવા માટે ચાલી રહેલા 'NO DRUGS IN BHARUCH CAMPAIGN'ને વધુ એક સફળતા મળી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડીને ડ્રગ્સના નેટવર્કને મોટો ફટકો માર્યો છે.


3.749 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો

SOGને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ઉમલ્લા વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતા એક ઈસમને આંતરીને તેની તલાશી લીધી હતી. તલાશી લેતા તેની પાસેથી 3.749 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા ગાંજાના આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 187450 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે ગાંજાનો જથ્થો અને અન્ય આનુષંગિક મુદ્દામાલ કબ્જે કરીને આરોપીની તાત્કાલિક ધરપકડ કરી છે.

તપાસના ચક્રો ગતિમાન કર્યા

પોલીસે આ સમગ્ર મામલે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. SOGની ટીમ હવે આરોપીની સઘન પૂછપરછ કરીને આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ભરૂચ જિલ્લામાં ક્યાં સપ્લાય કરવાનો હતો, તે અંગેના મૂળ સ્રોત સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ SOGની આ સફળ કામગીરીને કારણે જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચો - Bhavnagar માં ટ્રાફિક પોલીસનો સપાટો, મોડીફાઇડ બુલેટ, કાળા કાચની ગાડીઓ ડિટેઇન, સ્થળ પર દંડ વસૂલ્યો



  • Follow us on: