હિંસક વન્ય પ્રાણીઓમાં સૌથી વધુ ખૂંખાર ગણાતા ચિત્તા મેળવવાની ગુજરાતના વનવિભાગની પ્રતીક્ષાનો હવે જલ્દીથી અંત આવે તેવી આશા જાગી છે.ભારત સરકારે દેશમાં ચિત્તાના પુનઃસ્થાપન માટે રચેલી નેશનલ સ્ટિયરીંગ કમિટી ફોર ચિત્તા સાથે સંકળાયેલા નિષ્ણાંતો છેલ્લા એક મહિનામાં બે વાર ગુજરાતમાં કચ્છના બન્નીના ઘાસિયા વિસ્તારમાં જ્યાં ચિત્તાના સંવર્ધનના પ્રોજેક્ટ માટે ઈન્ફાસ્ટ્રચર તૈયાર થયું છે તેની ચકાસણી માટે આવી ચૂક્યાં છે.માર્ચના અંતભાગમાં ચિત્તાના તજ્જ્ઞો બન્નીની મુલાકાતે આવ્યા પછી ગઈકાલ બુધવારે ચાર નિષ્ણાંતોની એક ટીમ ફરીવાર બન્નીની વિઝિટ કરી રવાના થઈ છે.
ચાર સભ્યોની ટીમ બુધવારે આવી હતી
મધ્યપ્રદેશમાં કૂનો પાલનપુર ખાતે ચિત્તા અભયારણ્ય જેમની આગેવાનીમાં ડેવલપ થયું છે તે ચિત્તા નિષ્ણાંત ઉત્તમકુમાર શર્માના વડપણ હેઠળ આ વખતે કુલ ચાર સભ્યોની ટીમ બુધવારે આવી હતી.જેમણે બન્નીનો પ્રોજેક્ટ ઝીણવટભરી રીતે ચકાસી રાજ્યના વનવિભાગને વધુ કેટલીક મહત્ત્વની બાબતો સેન્ટરમાં ઉમેરવા જણાવ્યું છે.ઓલ ટરૈન વ્હીલ યાને તમામ પ્રકારની સરફેસ ઉપર ઝડપી દોડી શકે તેવું વ્હીકલ વસાવવા ટીમે સૂચવ્યું છે.તદુપરાંત જરૂરી વેટરીનરી કેર ઈક્વિપમેન્ટ્સ તથા દવાઓ વસાવવા પણ વનવિભાગને કહેવામાં આવ્યું છે.મોડિફાઈડ રેસ્ક્યુ વ્હીકલ પણ ખરીદવા જણાવાયું છે.જોકે આ પ્રકારની એમ્બ્યુલન્સ-કમ-રેસ્ક્યુ વ્હીકલ ગીર ખાતે ઉપલબ્ધ છે.













