આ વખતે કચ્છમાં વર્ષ દરમ્યાન વાતાવરણમાં સતત પલટો જોવા મળ્યો હતો. વરસાદની સીઝન પણ ઘણી લાંબી ચાલી હતી. બેથી ત્રણ વાર કમોસમી વરસાદે પણ પોતાની હાજરી નોંધાવી હતી. જેને કારણે વિવિધ સ્થળોએ અવિરત વરસાદી પાણી ભરાવાને કારણે આ વખતે ડેન્ગ્યૂનાં કેસમાં વધારો જોવા મળ્યો હતો. જિલ્લામાં ૪૭ અઠવાડિયામાં કુલ ૨૭૯ ડેન્ગ્યૂનાં કેસ જોવા મળ્યા જે ૨૦૨૪માં ૨૧૭ની સરખમાણીએ વધુ કેશ છે. આ વખતે મેલેરિયાનાં પણ ૧૧૭ કેસ જોવા મળ્યા હતા, જ્યારે વાયરલ ફીવરનાં સૌથી વધુ ૭,૦૨૨ કેસ અત્યાર સુધી નોંધાયા છે.
22 કેસ ઝેરી મેલેરિયાના નોંધાયા
આ બાબતે વધુ માહિતી આપતાં રોગચાળા અધિકારી ડૉ. કેશવકુમારે જણાવ્યું હતું કે, જિલ્લામાં આ વખતે વરસાદની પેટર્ન થોડી અલગ જોવા મળી હતી. થોડા થોડા અંતરાલમાં વરસાદ પડયો હતો. જેને કારણે સ્વાભાવિકપણે જ વિવિધ વિસ્તારોની સાથે લોકોનાં ઘરોની અગાસીમાં રાખેલા ભંગાર, ટાયર સહિતની વસ્તુઓમાં પણ પાણી ભરાયેલું રહે. જેને ધ્યાને લઇને છેલ્લા ૪૭ અઠવાડિયામાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વિવિધ ગામોમાં શંકાસ્પદ .ડેન્ગ્યૂ માટે ૧,૬૫૯ જેટલા રક્તનાં નમૂનાઓનું પરીક્ષણ કરતાં ૨૭૯ જેટલા ડેન્ગ્યૂનાં પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા. જ્યારે શંકાસ્પદ મેલેરિયાને ધ્યાને લઇને ૬,૭૩,૮૩૧ જેટલા રક્તના નમૂનાઓ લઇને પરીક્ષણ કરાતાં ૧૧૭ પોઝિટિવ કેસ સામે આવ્યા, જેમાં ૨૨ કેસ ઝેરી મેલેરિયાનો સમાવેશ થાય છે.
7012 જેટલા વાયરલ ફીવરનાં કેસો સામે આવ્યા
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાસ કરીને તાવનાં કિસ્સામાં સ્લાઇડો લેવાની કામગીરી અવિરતપણે કરવામાં આવતી રહે છે. જેને કારણે ક્યા ગામમાં ક્યા રોગનાં વધુ લક્ષણો છે તેની જાણકારી મળી રહે છે અને તે મુજબ આરોગ્ય વિભાગ દ્વારા આગળનો એક્શન પ્લાન ઘડવામાં આવતો હોવાનું જણાવી તેમણે અંતમાં બદલાતા વાતાવરણને કારણે શરદી, ઉધરસ, ગળામાં દુઃખાવો સહિતનાં વાયરલ ફીવરનાં કેસોમાં વધારો થતો હોઈ જિલ્લામાં અત્યાર સુધીમાં અર્બન અને રૂલર બંને વિસ્તારોમાં મળી કુલ ૭,૦૧૨ જેટલા વાયરલ ફીવરનાં કેસો સામે આવ્યા છે. આ માટે જિલ્લામાં કાર્યરત તમામ પીએચસી, સીએચસી સેન્ટરોમાં દવાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોઈ લોકો તેનો લાભ લઇ રહ્યા છે.
42 ગામોમાં નોંધાયા મેલેરિયા અને ડેન્ગ્યૂનાં પોઝિટિવ કેસ
કચ્છમાં અત્યાર સુધીમાં સિટી અને ગ્રામ્ય વિસ્તાર મળીને કુલ ૪૨ ગામોમાં મેલેરિયા અને ડેન્ગ્યૂનાં પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં મુખ્યત્વે રૂલર વિસ્તારમાં મેલેરિયાનાં ૮૯ કેસ અને ડેન્ગ્યૂનાં ૧૬૭ કેસનો સમાવેશ થાય છે. જ્યારે અર્બન વિસ્તારમાં મેલેરિયાનાં ૨૮ કેસ અને ડેન્ગ્યૂનાં ૧૧૨ પોઝિટિવ કેસ ઉજાગર થવા પામ્યા છે. પાલિકા દ્વારા આ ગામોમાં લારવલ, સ્પ્રેઇંગ અને તળાવોમાં ગપ્પી ફીસ નાખવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. જેને કારણે ૨૦૨૪ની સરખામણીએ મેલેરિયાનાં કેસમાં આ વખતે ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ૨૦૩૦ સુધીમાં સમગ્ર કચ્છમાંથી મેલેરિયા નાબૂદ કરવા માટેનાં પ્રયાસો કરાઇ રહ્યા છે.
ડેન્ગ્યૂનાં મચ્છરોને નાશ કરવા આરોગ્ય વિભાગે ટીમો ઉતારવામાં આવી
આરોગ્ય વિભાગ દ્વારા ૮ રૂરલ અને ૧૩ અર્બન પીએચસીનાં સ્ટાફને શહેરી વિસ્તારોમાં સર્વેલન્સ માટે જોતરવામાં આવ્યા હતા. આ ટીમો દ્વારા મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં ઘરે ઘરે ફ્રીઝ, નાળિયેરનાં છોતરા, જૂના ટાયર કે ભંગારમાં જ્યાં પણ ડેન્ગ્યૂનાં મચ્છરો હોય તેને નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ માટે ભુજમાં ૬૮, મુન્દ્રામાં ૨૮, ગાંધીધામમાં ૧૩ અને અંજારમાં ૫ ટીમોને સર્વેલન્સની કામગીરી માટે ઉતારવામાં આવી હતી.
આ પણ વાંચો---- Surat : ચોંકાવનારી ઘટના, ઘરેથી ભાગેલી સગીરાને દંપતીએ આશરો તો આપ્યો પણ પછી બતાવ્યો અસલી ચહેરો, વાંચો દર્દનાક ઘટના