ભુજ સહિત સમગ્ર કચ્છમાં વાદળછાયા વાતાવરણ સાથે લોકો સવારે અને સાંજ બાદ ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. આ વખતે નવેમ્બરનાં અંતમાં ધીમા પગલે ઠંડીએ પગપેસારો કર્યો છે. તે જોતાં ડિસેમ્બર માસમાં કડકડતી ઠંડીનો લોકોએ સામનો કરવા અત્યારથી જ તૈયાર રહેવું પડશે. જેને ધ્યાને લઇને લોકો ઠંડીમાં ગરમાવો મેળવવા ગરમ વસ્ત્રોની ખરીદી તરફ વળતાં બજારમાં ગરમ કપડાંની ખરીદીમાં ઉછાળો આવ્યો છે. તેમાંય માધાપરમાં રસ્તા ઉપર ઢગલા કરીને ગરમ કપડાનું વેચાણ કરતાં ફેરિયાઓને ત્યાં સવારથી જ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.
ધાબડા સહિતનું વેચાણ કરતાં થોકબંધ ફેરિયાઓ
વિશ્વનાં સૌથી ધનિક એવા માધાપર ગામમાં એક સમય એવો હતો કે, ગણ્યાગાંઠયા જ ગરમ વસ્ત્રોનાં વેચાણ કરતાં ફેરિયાઓ જોવા મળતાં હતાં, જે ફુટપાથ ઉપર જાકીટ, સ્વેટર સહિતનાં ગરમ વસ્ત્રોનું સમગ્ર ઠંડીની સીઝન દરમ્યાન વેચાણ કરતાં જોવા મળતાં હતાં, પરતંુ આ વખતે શહેરની મેઇન બજારમાં રસ્તાની બન્ને સાઇડમાં ફુટપાથ ઉપર તમામ પ્રકારનાં ગરમ કપડા, ધાબડા સહિતનું વેચાણ કરતાં થોકબંધ ફેરિયાઓ નજરે પડી રહ્યા છે.
ખરીદી કરવા માટે ભારે ધસારો
આ ફેરિયાઓ દર વર્ષે વિદેશમાંથી ગરમ કપડાનાં કન્ટેનર મંગાવીને જાહેરમાં તેનો ખડકલો કરીને વેચાણ કરી રહ્યાનું સ્થાનિકેથી જાણવા મળી રહ્યું છે, ત્યારે લોકો પણ ઇમ્પોર્ટેડ માલ ગણીને જ હાલે ખરીદી કરવા માટે ભારે ધસારો બોલાવી રહ્યા છે. વળી, અહીં લોકોને બાળકોથી લઇને મોટેરાઓ સુધીનાં માટે રૂ. ૨૦૦થી લઇને રૂ. ૬૦૦ સુધીમાં જ તમામ પ્રકારનાં મનપસંદ ગરમ કપડા મળી રહેતા હોવાને કારણે લોકો એક કરતાં વધુ કપડાઓ ખરીદીને ઘરમાં ગરમ કપડાનો સ્ટોક રાખવાનું પણ ચૂક્તા નથી.
ગરમ કપડાનાં હંગામી સ્ટોલ ઉપર સૌથી વધુ ગ્રાહકોની ભીડ
વિવિધ શોરૂમમાં તેમજ દુકાનોમાં ગરમ કપડાંની ખરીદીનો હજુ સુધી માહોલ જામતો નથી, પરંતુ હંગામી સ્ટોલ ઉભા કરીને ગરમ કપડાનું વેચાણ કરતાં સ્ટોલ ધારકો પાસે સવારે અને સાંજના સમયે સારા એવા પ્રમાણમાં ગ્રાહકો જોવા મળી રહ્યા છે. કારણ કે અહીં લોકોેને વ્યાજબીભાવે પોતાનાં ખિસ્સાંને પરવડે તેવા ભાવે મનપસંદ ગરમ કપડા મળી રહેવા પામતાં હોય લોકો અહીંથી ગરમવસ્ત્રો ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જેના કારણે પણ ગ્રાહકોની સૌથી વધુ ભીડ હંગામી સ્ટોલમાં જોવા મળી રહી છે.
રૂમ હીટર, ગરમ પાણીનાં હીટરની પણ વધતી માંગ
યુવાનો અને બાળકો સૌથી વધુ ફેશનેબલ ગરમ કપડાં પર પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે. ઠંડીથી બચવા ગરમ કપડાંની ખરીદીની સાથે સાથે રૂમ હીટર, ગરમ પાણીનાં હિટરની પણ ખરીદીમાં ઉછાળો આવી રહ્યો છે. જેમ જેમ ઠંડીનો ચમકારા વધતો જશે તેમ તેમ ગરમ કપડાંનાં વેચાણમાં પણ ગરમાવો જોવા મળશે. સ્ટોલ, દુકાન, શોરૂમ ઉપર ગ્રાહકોની ભીડ જામશે.
આ પણ વાંચોઃ Himmatnagar News : હૂડા સામે થયેલા આંદોલને ગાંધી ચિંધ્યો માર્ગ છોડ્યો, હવે ભગતસિંહ અને ચંદ્ર શેખરના માર્ગે આગળ વધશે