મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ ૨૦૨૫નો સફેદ રણ ધોરડોથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરીટ ટુરીઝમ ડેસ્ટીનેશન બનાવવાનું વડાપ્રધાનનું સપનું સાકાર થયું છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે રણોત્સવ હવે ગ્લોબલ ઈવેન્ટ બની ગયો છે અને સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી વડાપ્રધાનની પ્રેરણાથી રચાયેલું ધોરડો મોડલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યું છે.


સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રણોત્સવનું ઉદઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ-રાષ્ટ્રીય ગીતના ૧૫૦ વર્ષના અવસરને સાંકળતા “એકત્વ- એક દેશ, એક ગીત, એક ભાવના” થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો, કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રણોત્સવનું ઉદઘાટન કર્યુ હતું.તેમણે કચ્છના પ્રવાસનને વેગ આપવા લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના રૂ. ૧૭૯ કરોડના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા હતા.

વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ

મુખ્યમંત્રીએ કહ્યુ કે,યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશને ધોરડોને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’નો એવોર્ડથી નવાજ્યુ છે. કચ્છી ભૂંગા અને કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિ સાથે આધુનિક સુવિધા સાથેના ટેન્ટ સિટીથી વડાપ્રધાનશ્રીનો "વિરાસત ભી, વિકાસ ભી" અભિગમ સાકાર થયો છે.રણોત્સવમાં આવતા લાખો સહેલાણીઓના કારણે પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળવા સાથે ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્થાનિક હસ્તકલા કારીગરી ચીજવસ્તુઓને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ મળ્યો છે.

પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો

પ્રવાસનના વિકાસ માટે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું છે.સફેદ રણ સુધી પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ઉત્તમ રસ્તા, બસ કનેક્ટિવિટી, ભુજ સુધી રેલ અને એર કનેક્ટિવિટી વડાપ્રધાનના વિઝનથી મળી છે તેનાથી પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. ગત રણોત્સવમાં ૧૦ લાખથી વધુ પ્રવાસીઓએ સફેદ રણનો આનંદ માણ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.


આ  પણ વાંચોઃ Ahmedabad News: તિરાડ પડતાં જ સુભાષ બ્રિજ બંધ કરાયો, બ્રિજમાં કેટલી ક્ષતિ થઈ છે તેની તપાસ થશે


  • Follow us on: