હાલે સમગ્ર દેશની સાથે કચ્છને પણ ટીબી મુક્ત બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. વહેલુ નિદાન અને સઘન સારવારને પગલે જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં ટીબીનાં દર્દીઓ રોગમુક્ત પણ થઇ રહ્યા છે, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં રોગમુક્ત દર્દીઓનો રેશિયો ૯૨ ટકા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ આરોગ્ય વિભાગે ટીબી અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે વિવિધ તાલુકાઓમાં જાન્યુઆરીથી લઇને તા. ૧૦ ડિસેમ્બર સુધીમાં ટીબીનાં કુલ ૩,૨૦૩ દર્દીઓ નોંધાયા હોવાનાં અહેવાલો સાંપડી રહ્યા છે.
રોગોનાં નિર્મૂલન માટે લોકજાગૃતિનાં કાર્યક્રમો
આ બાબતે વધુ માહિતી આપતાં જિલ્લા ટીબી અધિકારી ડૉ. મનોજ દવેએ જણાવ્યું હતું કે, ટીબી એટલે કે ટયબુરક્યુલોસીસની બીમારીને દૂર કરવા અને કચ્છને ટીબી મુક્ત કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. થોડા વર્ષો પહેલાં ક્ષય રોગ જીવલેણ માનવામાં આવતો હતો, પરંતુ આજે એક સમયનાં હઠિલા રોગોની સારવાર પણ શક્ય બની છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ટીબી જેવા રોગોનાં નિર્મૂલન માટે લોકજાગૃતિનાં કાર્યક્રમો ચલાવવામાં આવે છે. લોકોને ઘેર ઘેર જઇને ક્ષયરોગ વિશે માહિતી આપવામાં આવતી હોય છે.
ટીબીનાં દર્દીઓને નિઃશુલ્ક સારવાર
જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટરો, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલોમાં ટીબીનાં દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે, જેના હકારાત્મક પરિણામો મળી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ જિલ્લામાં ટીબીના નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ૨૦૨૫માં જાન્યુઆરીથી લઇને ૧૦ ડિસેમ્બર સુધીમાં જિલ્લાનાં દસ તાલુકાઓમાં કુલ ૩,૨૦૩ દર્દી નોંધાયા છે. જોકે, વર્ષ ૨૦૨૩માં ૩,૨૬૪ દર્દીઓ નોંધાયા હતાં. જ્યારે ૨૦૨૪માં સમગ્ર જિલ્લામાં સર્વાધિક ૩,૩૭૭ દર્દીઓ નોંધાયા હતા.
૧૩ નાટ મશીનો દ્વારા ઝડપથી મેળવાતો રિપોર્ટ
કચ્છમાં ટીબીનાં દર્દીઓનો સાજા થવાનો દર ૯૨ ટકા છે.જિલ્લામાં હાલે કાર્યરત તમામ પીએચસી, સીએસસી, સબ સેન્ટરો ઉપર ટીબીનું નિદાન કરવામાં આવે છે. જિલ્લામાં ૧૩ નાટ મશીનો દ્વારા ઝડપથી રિપોર્ટ કરી સારવાર શરૂ કરાય છે. આ વર્ષે નોંધાયેલા ૩,૨૦૩ દર્દીઓમાંથી ૫૦થી ૬૦ ટકા દર્દીઓ પોષણ કિટનો પણ લાભ લઇ રહ્યા છે. હાલ જિલ્લામાં ૧,૭૦૦થી ૧,૮૦૦ જેટલા દર્દીઓ ટીબીની સારવાર લઇ રહ્યા છે.
સૌથી વધુ ૨૦૨૪માં ૩,૩૭૭ નવા દર્દી નોંધાયા
જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલા ટીબીનાં દર્દીઓ ઉપર નજર કરવામાં આવે તો ૨૦૨૩માં કુલ ૩,૨૬૪ દર્દીઓ નોંધાયા હતાં. જ્યારે ૨૦૨૪નાં વર્ષમાં નવા નોંધાયેલા દર્દીઓનો આકડો વધીને ૩,૩૭૭ ઉપર પહોંચ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે ૨૦૨૫માં જાન્યુઆરીથી અત્યારે ૧૦ ડિસેમ્બર સુધીમાં કુલ ૩,૨૦૩ ટીબીનાં દર્દીઓ નોંધાયા છે.
ભુજ તાલુકામાં સર્વાધિક ૮૯૮ ટીબીનાં દર્દીઓ
હાલે જિલ્લાનાં દસેદસ તાલુકામાં નોંધાયેલા ટીબીનાં દર્દીઓમાં સૌથી વધુ ભુજ તાલુકામાં ૮૯૮ દર્દીઓ અને સૌથી ઓછા લખપત તાલુકામાં ૫૦ દર્દીઓ નોંધાયા છે. આ સિવાય અબડાસા તાલુકામાં ૧૧૪ દર્દી, અંજાર તાલુકામાં ૩૫૫ દર્દી, ભચાઉમાં ૩૮૪ દર્દી, ગાંધીધામમાં ૬૬૨ દર્દી, માંડવીમાં ૧૮૮ દર્દી અને મુન્દ્રામાં ૧૪૫ દર્દીઓ નોંધાયા છે.
આ પણ વાંચોઃ Patan જિલ્લામાં રવી સિઝનમાં 1.68 લાખ હેક્ટર વિસ્તારનું વાવેતર, સૌથી વધુ ચણાનું વાવેતર