ગુજરાતના રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં મોટું સ્થાન ધરાવતી બોટાદ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પદ માટેની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. APMC ના શાસક પક્ષ અને વહીવટી તંત્ર દ્વારા ચેરમેન પદની બીજી ટર્મ માટે આગામી 17 જૂન, બુધવારના રોજ ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મનહરભાઈ માતરીયાની મુદત થઈ પૂરી
ઘટના મળતી માહિતી અનુસાર, બોટાદ APMC ના વર્તમાન ચેરમેન મનહરભાઈ માતરીયાની પહેલી ટર્મની અઢી વર્ષની મુદત હવે પૂર્ણ થઈ ચૂકી છે. સહકારી કાયદા અને નિયમો અનુસાર, પ્રથમ અઢી વર્ષની મુદત પૂરી થયા બાદ હવે પછીની બાકી રહેતી અઢી વર્ષની ટર્મ માટે નવા ચેરમેનની પસંદગી કરવા માટે આ ચૂંટણી યોજાઈ રહી છે.
લાંબા સમયથી ભાજપનું શાસન
અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ APMC પર છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય જનતા પાર્ટી (BJP) નું એકહથ્થુ શાસન પ્રવર્તી રહ્યું છે. ભાજપ પ્રેરિત પેનલ જ અહીં સત્તા પર હોવાથી આ ચૂંટણી આંતરિક સહમતી અથવા પક્ષના મેન્ડેટના આધારે યોજાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
ચેરમેન પદ મેળવવા માટે લોબિંગ શરૂ
ચેરમેનની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ બોટાદ જિલ્લાના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ગરમાવો આવી ગયો છે. APMC ના ડિરેક્ટરો અને ભાજપના સ્થાનિક નેતાઓ વચ્ચે ચેરમેનની ખુરશી મેળવવા માટે અત્યારથી જ જોરદાર લોબિંગ શરૂ થઈ ગયું છે. હવે જોવાનું એ રહેશે કે, ભાજપ મોવડીમંડળ જુના ચેરમેનને જ રિપીટ કરે છે કે, કોઈ નવા ચહેરાને આ અઢી વર્ષની ટર્મ માટે મોકો આપે છે.
આ પણ વાંચો - વાંચો 11 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે