એક તરફ ખેડૂતોને સિંચાઇનું પાણી કેનાલ મારફતે આપવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ નર્મદા નિગમનું નઘરોળ તંત્ર હજુ સુધી કેનાલ સફાઇ નથી કરી શક્યું. કેનાલ સાફ કર્યા વિના જ પાણી છોડી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેનાલમાં કચરાને લીધે પાણી રોકાઇ રહેવા અને કેનાલમાં ગાબડું પડવાનો ભય રહે છે. ચોમાસુ પૂર્ણ થયાને બે મહિનાનો સમય વિત્યો હોવા છતાં નર્મદા નિગમના નઘરોળ તંત્રને હજુ સુધી કેનાલ સફાઇ કરવાનું યાદ પણ નથી આવ્યું.
નર્મદા કેનાલમાં પાણી છોડાયું પણ કેનાલને સાફ કર્યા વિના જ પાણી છોડી દીધું છે
સંખેડા તાલુકાના ફતેપુર ગામ પાસેથી નર્મદાની સંખેડા માઈનોર કેનાલ પસાર થાય છે.આ કેનાલ સંખેડા કસ્બા સીમ સુધી લાંબી છે.સંખેડા કસ્બા સીમાનો વિસ્તાર રેડ લાઈન વિસ્તાર છે.જેથી કેનાલના પાણી ઉપર જ ખેડૂતોને આધાર રાખવાનો થાય છે. હાલમાં ખેડૂતોને ખેતીની સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત છે. નર્મદા કેનાલમાં પાણી છોડાયું પણ કેનાલને સાફ કર્યા વિના જ પાણી છોડી દીધું છે.













