ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ પૂર્ણ થયે આજે 10 દિવસ પૂર્ણ થયાં છે. ત્યારે હજી પણ પતંગની દોરી વાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. પતંગની દોરીના ઘા અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી રહ્યાં છે. ત્યારે દાહોદમાં પતંગની દોરીથી એક બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. મોઢાના ભાગે દોરી વાગતા યુવક લોહી લુહાણ થઈ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
દાહોદમાં પતંગની દોરીથી બાઈક ચાલક ઘાયલ
દાહોદમાં ગરબાડા ચોકડી બ્રિજ પરથી પસાર થતાં એક બાઈક ચાલકને પતંગની દોરી મોઢાના ભાગે વાગી હતી. દોરીનો ઘા એટલો ખતરનાક હતો કે યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મુર્તુજાભાઈ નામના યુવકને ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન યુવકને મોઢા પર 15 ટાંકા આવ્યા હતાં.













