સ્માર્ટ સિટી તરફ ડગ માંડી રહેલા દાહોદ શહેરમાં અત્યારે રખડતા શ્વાનોનો ત્રાસ એક ગંભીર સમસ્યા બનીને ઉભરી આવ્યો છે. શહેરના ભરચક ગણાતા ગોદી રોડ વિસ્તારમાં એકાએક રખડતા શ્વાનોએ આતંક મચાવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. માત્ર ગણતરીના કલાકોમાં જ હિંસક બનેલા શ્વાનોએ માસૂમ બાળકો અને મહિલાઓ સહિત કુલ 12 લોકોને બચકાં ભરી લોહીલુહાણ કરી દીધા છે.


રમી રહેલા બાળકો પર શ્વાનોએ અચાનક હુમલો કર્યો

મળતી માહિતી અનુસાર, ગોદી રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને ઘર પાસે રમી રહેલા બાળકો પર શ્વાનોએ અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ 12 લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં નાના બાળકો અને મહિલાઓની સંખ્યા વધુ હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

જનતામાં રોષ અને તંત્રની ભૂમિકા

શહેરીજનોમાં અત્યારે એવો ફાળ પડી રહ્યો છે કે બાળકોને ઘરની બહાર એકલા કેવી રીતે મોકલવા? આ પૂર્વે પણ અનેકવાર રખડતા શ્વાનોના ત્રાસ અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, નગરપાલિકા કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે શ્વાનોના ખસીકરણ અને તેમને પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ ચાલી રહી છે, જેના પરિણામે આજે સામાન્ય નાગરિકોએ હોસ્પિટલના બિછાને રહેવાનો વારો આવ્યો છે.

કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ

જો તંત્ર વહેલી તકે આ રખડતા શ્વાનોના આતંકને ડામવા માટે સઘન ઝુંબેશ નહીં ચલાવે, તો આગામી દિવસોમાં કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. દાહોદના નાગરિકો હવે એક જ માંગ કરી રહ્યા છે: અમને રસ્તા પર ચાલવાની સુરક્ષા આપો.

આ પણ વાંચોઃ Jamnagar : ખનીજ માફિયાઓની દાદાગીરી, રણજીતપર ગામે ગેરકાયદે રેતી ખનન રોકનાર ખેડૂતો પર લોહીયાળ હુમલો!



  • Follow us on: