ગાંધીનગરના અંબાપુર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં અંબાપુર ખાતે આવેલી એક ખાનગી ફ્લેટની કન્સ્ટ્રક્શન સાઈટ પર રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, લગ્નજીવનના લાંબા સમય બાદ પણ સંતાન સુખ પ્રાપ્ત ન થતાં પરિણીતા ભારે માનસિક તણાવમાં રહેતી હતી, જેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.


સંતાન ન થવાના દુઃખે લીધો ભોગ

ઘટનાની મળતી વિગતો અનુસાર, મૃતક પરિણીતા પોતાના પરિવાર સાથે અંબાપુરમાં નિર્માણ પામી રહેલા એક ખાનગી ફ્લેટની કન્સ્ટ્રક્શન સાઈટ પર જ મકાનમાં રહેતી હતી. સંતાન ન થવાના દુઃખ અને માનસિક આઘાતમાં સરી પડેલી પરિણીતાએ રૂમમાં ઉપર લોખંડના હુક સાથે પોતાની સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યોની નજર પડતાં જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી શરૂ કરી તપાસ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિણીતાના મૃતદેહને હુક પરથી નીચે ઉતારી, પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી, પરિવારજનોની પૂછપરછ અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક આશાસ્પદ પરિણીતાના આવા કરૂણ અંતથી કન્સ્ટ્રક્શન સાઈટના શ્રમિકો અને સ્થાનિક વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.


આ પણ વાંચો - વાંચો 13 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે


  • Follow us on: