મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટ બેઠકમાં પાણી પુરવઠા, ઊર્જા અને બંદર વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીએ જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી છે.
વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કુલ ૧,૨૨,૫૩,૦૯૬ ચો. મીટર જમીન ફાળવવામાં આવી
આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાણી પુરવઠા બોર્ડ, જેટકો (JETCO), ગુજરાત પાવર કોર્પોરેશન અને મેરીટાઇમ બોર્ડ જેવા સંસ્થાનોને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કુલ ૧,૨૨,૫૩,૦૯૬ ચો. મીટર જમીન ફાળવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાનો છે.
આગામી સમયમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ કાર્યરત થશે
મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે તે સંસ્થાઓને ફાળવવામાં આવેલી આ જમીનો પર આગામી સમયમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ કાર્યરત થશે, જેનો સીધો લાભ સ્થાનિક જનતાને મળશે. સૌથી વધુ ગુજરાત પાવર કોર્પોરેશનને બનાસકાંઠાના રાધાનેસડા ખાતે અંદાજે ૧,૨૦,૬૦,૦૦૦ ચો.મી. જેટલી વિશાળ જમીન ફાળવવામાં આવી છે.
કતપર ખાતે બંદર વિકાસ માટે ૨૫,૭૯૫ ચો.મી. જમીનની ફાળવણી
આ ઉપરાંત ગુજરાત પાણી પુરવઠા બોર્ડને વિવિધ ૧૪ સ્થળોએ આશરે ૧,૩૬,૨૯૧ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. જ્યારે, જેટકો (JETCO)ને રાજ્યમાં વીજ માળખું મજબૂત કરવા માટે કુલ ૭ સ્થળોએ અંદાજે ૩૧,૦૧૦ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાત મેરીટાઇમ બોર્ડને પણ મહુવાના કતપર ખાતે બંદર વિકાસ માટે ૨૫,૭૯૫ ચો.મી. જમીનની ફાળવણી કરવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
વિવિધ જિલ્લામાં ફાળવણી
મંત્રીના જણાવ્યા પ્રમાણે પાણી પુરવઠા બોર્ડને તાપી, મોરબી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, કચ્છ, વલસાડ, અમદાવાદ, રાજકોટ અને બોટાદમાં જ્યારે, જેટકોને ગીર સોમનાથ, છોટા ઉદેપુર, પોરબંદર, વલસાડ, રાજકોટ અને સાબરકાંઠા જિલ્લામાં જમીનની ફાળવણી કરવામાં આવી છે.
પીવાના પાણીની સુવિધા તેમજ વીજ પુરવઠાની ક્ષમતા વધશે
આ જમીન ફાળવણીથી રાજ્યમાં પીવાના પાણીની સુવિધા તેમજ વીજ પુરવઠાની ક્ષમતા વધશે. તદુપરાંત, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ ગુજરાત નવી ઊંચાઈઓ સર કરશે. આ નિર્ણય રાજ્યના પાયાના માળખાને વધુ મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો---- Gandhinagar : રાજ્ય સરકાર હસ્તકના રસ્તાઓ, પુલો માટે મોટો નિર્ણય, જાહેર સંપત્તિની દેખરેખ માટે ખાસ પોર્ટલ શરૂ કરાશે