ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ SLBC-સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે, દેશમાં બેન્કિંગ સેવાઓ માત્ર ધનિક અને શહેરી વર્ગ પૂરતી જ સીમિત હતી. આજે પ્રધાનમંત્રી જન ધન યોજનાથી ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે.
આજે સુદ્રઢ બેન્કિંગ સેવાનો લાભ મેળવી રહ્યો છે
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, દેશમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં આજે ગુજરાતે લીડ લીધી છે. આજે રાજ્યનું બેન્કિંગ નેટવર્ક 11 હજાર શાખાઓ સુધી પહોંચ્યું છે, જેમાંથી 56 ટકાથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે. આ વિશાળ બેન્કિંગ નેટવર્કના માધ્યમથી ગુજરાતમાં પોણા બે કરોડથી વધુ જન ધન બેન્ક ખાતા ખૂલ્યાં છે. જે સાબિત કરે છે કે, રાજ્યનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આજે સુદ્રઢ બેન્કિંગ સેવાનો લાભ મેળવી રહ્યો છે.
ગુનાઓમાં ઘટાડો લાવવામાં સફળતા મળશે
હર્ષ સંઘવીએ સાયબર ક્રાઇમને હાલના સમયનો સૌથી મોટો પડકાર ગણાવતા કહ્યું હતું કે, સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને સાયબર ગુનાઓને અટકાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી શકે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું હતું કે, રાજ્યના 1930 હેલ્પલાઈન પર ગઈકાલે નોંધાયેલા તમામ સાયબર ગુનાઓમાં ગુજરાત પોલીસને વિવિધ બેન્કોની સહાયથી 100 ટકા રાશિ ફ્રીઝ કરવામાં સફળતા મળી હતી. ગુજરાત પોલીસના પ્રોએક્ટિવ પ્રયાસોમાં બેન્કોનો પણ સાથ-સહકાર મળે, તો દરેક સાયબર ક્રાઇમની 100 ટકા રાશિ બ્લોક કરીને ગુનાઓમાં ઘટાડો લાવવામાં સફળતા મળશે.
ડરી ગયેલા વૃદ્ધને સમજાવીને તેમની મદદ કરી
નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના એક જાગૃત બેન્ક મેનેજરનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, તાજેતરમાં જ અમદાવાદના એક વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હતા. આ વૃદ્ધ સાયબર ઠગોથી ડરીને પોતાની જીવનભરની કમાણી રૂ. 45 લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવી નાખી હતી અને ત્યારબાદ આ રકમ કોઈ બીજા ખાતામાં RTGS કરવા તેઓ બેંકમાં પહોંચ્યા હતા. આ બેન્કના સતર્ક મેનેજર જયેશ ગાંધીને કઈક અજુગતું લાગતા તેમણે વૃદ્ધ વ્યક્તિ પાસેથી એફ.ડી તોડવા અને આટલી મોટી રકમ તાત્કાલિક બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા પાછળનું કારણ જાણવાના પ્રયાસો કર્યા હતા. વૃદ્ધ સાથે વાત કર્યા બાદ ડિજિટલ એરેસ્ટનો કિસ્સો ધ્યાને આવતા મેનેજરએ ડરી ગયેલા વૃદ્ધને સમજાવીને તેમની મદદ કરી હતી અને પોતાનો માનવતા ધર્મ નિભાવ્યો હતો.
આ પણ વાંચોઃ Gujarat weather News : લા નીનાની સ્થિતિ સર્જાતા ઠંડીની અસર અનુભવાશે, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે