ગાંધીનગરના રાંધેજામાં ગત તારીખ 3 જૂનના રોજ રેલવે ફાટક નજીકથી મળી આવેલા મગનજી ઠાકોર નામના વ્યક્તિના શંકાસ્પદ મૃતદેહ મામલે પેથાપુર પોલીસે ગણતરીના દિવસોમાં મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચકચારી હત્યા કેસમાં ગાંધીનગર પોલીસના એએસપી આયુષ જૈને સમગ્ર ઘટના પરથી પડદો ઊંચક્યો છે. પોલીસે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક હત્યા પાછળ આડા સંબંધો રાખવાની ઘેલછા જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
આરોપી આડા સંબંધ રાખવાનો કરતો પ્રયાસ
એએસપી આયુષ જૈને આપેલી વિસ્તૃત માહિતી અનુસાર, મુખ્ય આરોપી લાલજી ઠાકોર મૃતક મગનજી ઠાકોરની પત્ની સાથે આડા સંબંધો બાંધવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યો હતો. આ બાબતે લાલજી અને મગનજી વચ્ચે બોલાચાલી થઇ હતી અને તેની અદાવતમાં લાલજી અને તેના સાથીદારોએ મગનજીને રસ્તામાંથી હટાવવાનો ક્રૂર પ્લાન ઘડ્યો હતો.
કપડા વડે તેનું ગળું દબાવીને હત્યા કરી
ઘટનાના દિવસે આરોપીઓએ મગનજીને પોતાની ગાડીમાં બેસાડ્યો હતો અને ચાલુ ગાડીમાં કપડા વડે તેનું ગળું દબાવીને કમકમાટીભરી હત્યા નીપજાવી હતી. હત્યા કર્યા બાદ પાપ છુપાવવા માટે આરોપીઓએ મગનજીના મૃતદેહને રાંધેજા રેલવે ફાટક પાસે આવેલા એક ખુલ્લા ખેતરમાં ફેંકી દીધો હતો અને ફરાર થઈ ગયા હતા.
પોલીસે ત્રણ આરોપીને ઝડપ્યા
3 જૂને મગનજીનો મૃતદેહ મળ્યા બાદ પેથાપુર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે લાલજી ઠાકોર અને તેના મદદગાર અન્ય બે સાથીદારોની અટકાયત કરી લીધી છે. આ હત્યા કેસમાં હજુ ઘણા રહસ્યો સામે આવી શકે તેમ છે. આ કેસમાં કાવતરાનો ભાગ ભજવવામાં મૃતકની પત્નીની કોઈ સંડોવણી છે કે કેમ, તે જાણવા માટે પોલીસ મૃતકની પત્નીની પણ આકરી પૂછપરછ અને તપાસ કરશે. હાલ પેથાપુર પોલીસે હત્યાના ગુનામાં વપરાયેલી ગાડી જપ્ત કરી વધુ કાયદેસરની તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : અંબાલાલ પટેલની આગાહી,ગરમીમાં થશે વધારો , જૂન અંતમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશશે