ગુજરાત કેડરમાં 2010ની બેચના IAS અધિકારી ડો. હાર્દિક સતિષચંદ્ર શાહની PMOમાં જોઈન્ટ સેક્રેટરી લેવલે વડાપ્રધાન મોદીના અંગત સચિવ તરીકે નિમણૂક કરવામા આવી છે. આ નિમણૂક કોટરમીનસ બેઝ પર કરવામાં આવી છે. તેમનો કાર્યકાળ વડાપ્રધાનના કાર્યકાળ સુધી રહેશે.


પીએમઓમાં તેમનું સ્થાન વધુ મજબૂત થયું

IAS ડો. હાર્દિક શાહ માટે આ જવાબદારી નવી નથી. તેઓ 17 ઓગસ્ટ 2020થી આ જવાબદારી નિભાવતા આવ્યા છે. તેઓ સત્તાવાર રીતે 31 મે 2029 સુધી આ પદ પર કાર્યરત રહેશે. ફેબ્રુઆરી 2026માં જોઈન્ટ સેક્રેટરી અથવા તો તેના સમાન પદ માટે તેમની પસંદગીએ આ ઔપચારિક બઢતીનો માર્ગ મોકળો કર્યો હતો. જેના કારણે પીએમઓમાં તેમનું સ્થાન વધુ મજબૂત થયું છે. જ્યારે IAS ડો. હાર્દિક શાહે 2019થી 2020 દરમિયાન ડેપ્યુટી સેક્રેટરી તરીકે સેવા આપી ત્યારથી તેમની પીએમઓમાં સફર શરૂ થઈ હતી. આ સમય દરમિયાન સર્વોચ્ચ સ્તરે નીતિ સંકલન અને વહિવટમાં મદદ કરતી મુખ્ય અને ઉચ્ચ ટીમનો ભાગ બન્યા છે.

GPCBમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કર્યું

IAS ડો. હાર્દિક શાહના અભ્યાસની વાત કરીએ તો તેઓ એન્વાયરમેન્ટલ એન્જિનિયરરિંગમાં મજબૂત પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમણે B.E. અને M.E.માં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ત્યાર બાદ LL.B. અને PhDનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમના શૈક્ષણિક અનુભવમાં માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.તેમને હાર્વર્ડ કેનેડી સ્કૂલની ફેલોશિપનો લાભ પણ મળ્યો છે. IASની સેવામાં જોડાતા પહેલા તેમણે GPCBમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. તેમણે ગુજરાતમાં વર્ષો સુધી મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

તેમનું સેન્ટ્રલ ડેપ્યુટેશન 2017માં શરૂ થયું

તેમનું સેન્ટ્રલ ડેપ્યુટેશન 2017માં શરૂ થયું હતું. જ્યારે તેમણે અનિલ માધવ દવે અને પ્રકાશ જાવડેકર સહિતના કેન્દ્રીય પર્યાવરણ મંત્રીઓના અંગત સચિવ તરીકે સેવા આપી હતી. ત્યાં તેઓ પ્રદૂષણ નિયંત્રણ અને પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન જેવી મુખ્ય પહેલો સાથે સંકળાયા હતાં. PMOમાં તેમની આ સતત ભૂમિકા સર્વોચ્ચ સ્તરે વિશ્વાસ, અનુભવ અને વહીવટી સાતત્ય દર્શાવે છે.

આ પણ વાંચોઃ Patan News : સિંચાઈનું પાણી નહીં મળતા 700 વીઘા જમીન સૂકી ભઠ્ઠ, નજૂપૂરા ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો



  • Follow us on: