ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના હેડક્વાર્ટર રિજન (નોર્થ-વેસ્ટ) દ્વારા 20 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીનગર ખાતે એક ભવ્ય સંયુક્ત મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડના 50માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


દેશભક્તિનો માહોલ

ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતેથી આ રેલીને DIG પી. કે. શર્મા (TM), ચીફ ઓફ સ્ટાફ, CGRHQ(NW) દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. હેડક્વાર્ટરથી પીપળજ ગામ સુધી યોજાયેલી આ રેલીમાં બાઇક્સ પર રાષ્ટ્રધ્વજ સાથે જવાનોએ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.

જવાનોનું ભારે ઉત્સાહથી સ્વાગત કરાયું

રસ્તામાં સ્થાનિક લોકોએ પણ જવાનોનું ભારે ઉત્સાહથી સ્વાગત કર્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને દરિયાઈ સુરક્ષાનું મહત્વ સમજાવવાનો અને દેશની સુરક્ષામાં ભારતીય કોસ્ટ ગાર્ડની ભૂમિકા વિશે જાગૃત કરવાનો હતો. આ રેલીમાં કોસ્ટ ગાર્ડની સાથે ભારતીય સેના, ગુજરાત ATS, મરીન પોલીસ અને ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા.

આરોગ્ય અને નેત્ર તપાસ કેમ્પનું આયોજન

રેલીના માર્ગ પર આવતા પીપળજ ગામે 'તેજ આઈ સેન્ટર'ના સહયોગથી એક વિશાળ આરોગ્ય જાગૃતિ અને નેત્ર તપાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જનરલ મેડિકલ ચેકઅપ, બ્લડ શુગર ટેસ્ટિંગ, આંખની તપાસ અને ENT પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પીપળજ અને આસપાસના ગામોના ગ્રામજનો તેમજ શાળાના બાળકોએ આ નિઃશુલ્ક તબીબી સેવાનો લાભ લીધો હતો. આમ, ભારતીય કોસ્ટ ગાર્ડે માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ સામાજિક જવાબદારી નિભાવીને પોતાના 50માં સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરી હતી.


આ પણ વાંચો - Dangના બરડીપાડા-મહાલ માર્ગ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત અને 9 લોકો ઇજાગ્રસ્ત


  • Follow us on: