ગુજરાત વિધાનસભાના આઠમા સત્રમાં રાજ્યપાલના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરવાની સાથે સરકારની સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે, રાજ્યપાલનું સંબોધન એ માત્ર ઔપચારિકતા નથી,પરંતુ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવાના સંકલ્પનો પવિત્ર દસ્તાવેજ છે.રાજ્યપાલનું અભિભાષણ ગુજરાતના ‘પાસ્ટનો ફીડબેક’ અને ફ્યુચરનો રોડમેપ છે.નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૨૦મી સદીમાં કોંગ્રેસ શાસિત ગુજરાતની ઓળખ કરફ્યુ, કોમી રમખાણો અને ટેન્કર રાજ પૂરતી સીમિત હતી.વર્ષ ૨૦૦૧માં નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યા બાદ રાજ્યમાં કાયમી શાંતિ સ્થપાઈ છે.


દીકરીઓ અડધી રાત્રે પણ નિર્ભયતાથી ફરી શકે છે

આજે 'કરફ્યુ' શબ્દ ગુજરાતની ડિક્શનરીમાંથી ભૂંસાઈ ગયો છે અને રાજ્યની દીકરીઓ અડધી રાત્રે પણ નિર્ભયતાથી ફરી શકે છે.જે પથ્થરો ક્યારેક રમખાણોમાં ફેંકાતા હતા, આજે એ પથ્થરોનો ઉપયોગ વિશ્વકક્ષાની હોસ્પિટલો અને યુનિવર્સિટીઓના નિર્માણ માટે થઈ રહ્યો છે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' હેઠળ ૭૫ લાખ પરિવારોના ૩.૧૮ કરોડ નાગરિકોને વિનામૂલ્યે અનાજ અપાઈ રહ્યું છે. 'વન નેશન વન રેશનકાર્ડ' યોજનાથી ગરીબો-શ્રમિકો ગમે ત્યાંથી અનાજ મેળવી શકે છે.ગુજરાતમાં ૧૦ લાખથી વધુ લોકોને પાકા ઘર આપ્યા બાદ, આ વર્ષે વધુ ૩.૧૫ લાખ આવાસો આપવાનું લક્ષ્ય છે.

10 લાખ સુધીની કેશલેસ સારવાર સુલભ બનાવી

આયુષ્માન ભારત-મા કાર્ડ' હેઠળ ૨.૭૨ કરોડ નાગરિકોને રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર સુલભ બનાવી છે. યુવા વિકાસના આંકડા રજૂ કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં જ તા.૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ગુજરાતે ૧,૦૦,૧૩૫ MSME યુનિટ્સ સર્ટિફાઈડ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત પાંચમી વાર 'બેસ્ટ પરફોર્મર' રહ્યું છે. વર્ષ ૨૦૨૪ થી ૨૦૩૩ દરમિયાન ૨ લાખથી વધુ સરકારી જગ્યાઓ ભરવાનું ૧૦ વર્ષનું 'ભરતી કેલેન્ડર' જાહેર કરાયું છે. ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ૧૨૬૮ ભરતી મેળાઓ દ્વારા ૭૨,૧૨૮ યુવાનોને રોજગારી મળી છે.

ઐતિહાસિક રાહત પેકેજ આપી ખેડૂતોનો હાથ પકડ્યો

ખેડૂતો વિશે વાત કરતા તેમણે કહ્યું કે,હવે ગુજરાતમાં ‘ટેન્કર રાજ’ નહીં પણ ‘નર્મદા રાજ’ છે. 'કિસાન સૂર્યોદય યોજના' દ્વારા દિવસે વીજળી અને ૬૦ લાખ ખેડૂતોના ખાતામાં 'પીએમ કિસાન નિધિ' હેઠળ સન્માન સાથે સીધા નાણાં જમા થઈ રહ્યા છે. તાજેતરમાં જ કુદરતી આફત સમયે રાજ્ય સરકારે ૧૧,૦૦૦ કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ આપી ખેડૂતોનો હાથ પકડ્યો છે અને સરકાર ખેડૂતોની પડખે ઊભી રહી છે. હર્ષ સંઘવીએ વિપક્ષના નકારાત્મક વલણની ટીકા કરતા ઉમેર્યું હતું કે, વિરોધ પક્ષ માત્ર ‘વિરોધની રાજનીતિ’ જાણે છે જ્યારે ભાજપ સરકાર ‘વિકાસની રાજનીતિ’ માં માને છે. ગુજરાતની વિકાસયાત્રા 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્ર સાથે અવિરત ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ Junagadh News: વિવાદિત કીર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ કસ્ટડીમાં પણ બેફિકર દેખાઈ


  • Follow us on: