ગીર સોમનાથની પવિત્ર ધરા પર આયોજિત શૌર્ય સભાને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મંદિરના ભવ્ય ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિની અતૂટ શક્તિ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર એ માત્ર પથ્થરોનું બાંધકામ નથી, પરંતુ તે દેશનું સ્વાભિમાન છે. ઇતિહાસમાં આક્રમણ કરનારો ગઝનવી વિખેરાઈ ગયો, પણ સોમનાથ આજે પણ અજેય અને અતૂટ ઊભું છે. આ પવિત્ર ધામને બચાવવા માટે અનેક શૂરવીરોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં હમીરજી ગોહિલનું પરાક્રમ હંમેશા એકતાના ઉદાહરણ તરીકે યાદ રાખવામાં આવશે.


હિમાલયથી દક્ષિણ સુધી તીર્થોનો જિર્ણોદ્ધાર

વધુમાં હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું હતું કે, પીએમ મોદીનો સંકલ્પ આજે ભારતની નીતિ બની ચૂક્યો છે. તેમના માર્ગદર્શન હેઠળ હિમાલયથી લઈને દક્ષિણના છેડા સુધીના તમામ તીર્થોનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જે રીતે ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, તે પીએમના મક્કમ ઈરાદાનું પરિણામ છે. સોમનાથની આ શૌર્ય સભામાં તેમણે યુવાનોને દેશની વિરાસત પ્રત્યે ગર્વ લેવા અને પૂર્વજોના બલિદાનને યાદ રાખવા આહવાન કર્યું હતું.

આ પણ વાંચો : Vadodara News : નશાખોર મહિલાનો આતંક, ફૂલ સ્પીડે કાર ચલાવી દીવાલ સાથે ભટકાડી



  • Follow us on: