હળવદમાં એક ડોક્ટર સાથે શેરબજારમાં રોકાણના નામે 48.14 લાખ રૂપિયાની ઠગાઈ થઈ છે. આ મામલે મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી પાંચ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


 સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવાની માહિતી મળી

સોશિયલ મીડિયા પર લોભામણી સ્કીમો દ્વારા લોકોને છેતરવામાં આવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં, હળવદના ડો. ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયાને ફેસબુક મેસેન્જર પર 'Irina Fedorova' નામની ID પરથી સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવાની માહિતી મળી હતી.આરોપીઓએ કાવતરું રચીને 'Y96 SIG Customer Service' નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને ડો. ચેતનકુમારને તેમાં ઉમેર્યા. આરોપી દીપક મલ્હોત્રાએ તેમને જુદી જુદી સ્કીમો સમજાવી હતી.

ગ્રુપ એડમિન રોહિતસિંઘે અલગ અલગ બેંક એકાઉન્ટ નંબર મોકલી ડોક્ટર પાસેથી કુલ 43.55 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું

ગ્રુપ એડમિન રોહિતસિંઘે અલગ અલગ બેંક એકાઉન્ટ નંબર મોકલી ડોક્ટર પાસેથી કુલ 43.55 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું.જ્યારે ડો. ચેતનકુમારે રોકાણ કરેલી રકમ પાછી ખેંચવા જણાવ્યું, ત્યારે સર્વિસ ટેક્સના નામે વધુ 4.59 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. આ રકમ પણ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી હતી. આમ, ડો. ચેતનકુમાર સાથે કુલ 48.14 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હતી.

મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી પાંચ આરોપીની ધરપકડ કરી

મૂળ રાણેકપર ગામના અને હાલ હળવદના ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા ડો. ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયાએ ગત 18 નવેમ્બરે સાત મોબાઈલ ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ટીમે આ મામલે રાહુલ હર્ષદભાઈ ચૌધરી, ખુશ નવીનભાઈ ભાલોડીયા, જયદીપ રામભાઈ લગારીયા, શ્યામ કિશોરભાઈ રૂપાપરા અને રાજુભાઈ દેવાંગભાઈ નાદાણિયાની ધરપકડ કરી છે. આ આરોપીઓની હાલ પૂછપરછ ચાલી રહી છે અને મુખ્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો-----   Banaskantha : પાલનપુરની છાપરા ગ્રામ પંચાયતનો દારૂ બંધી માટે મહત્વનો નિર્ણય, દારુ વેચશો કે પીશો તો તમામ લાભ બંધ કરાશે

  • Follow us on: