સાબરકાંઠા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. તાજેતરમાં નકલી દૂધના કૌભાંડ બાદ હવે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામેથી નકલી ઘી બનાવવાનું મસમોટું નેટવર્ક ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓ સામે ફૂડ સેફ્ટી વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.


 નકલી ઘી તૈયાર કરવામાં આવતું

મળતી માહિતી મુજબ, ફૂડ સેફ્ટી વિભાગને બાતમી મળી હતી કે રાયગઢ ગામમાં એક ફૂડ બિઝનેસ ઓપરેટરના ઘરે ગેરકાયદેસર રીતે ઘી બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ બાતમીના આધારે અધિકારીઓએ દરોડો પાડતા ત્યાંથી વનસ્પતિ ઘી, સોયાબીન તેલ અને શંકાસ્પદ વ્હાઇટ પાવડર મળી આવ્યો હતો. આરોપ છે કે આ તમામ વસ્તુઓનું મિશ્રણ કરીને નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું.

208 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો કબજે કર્યો

તપાસ દરમિયાન ફૂડ વિભાગે 208 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો કબજે કર્યો છે, જેની અંદાજિત કિંમત 50 હજાર રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. આ મામલે ખુબીરામ શિવચરણ શર્મા નામના શખ્સને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો

દિનપ્રતિદિન નકલી દૂધ અને ઘીના કેસો સામે આવતા સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. અધિકારીઓએ વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ મેળવી તેને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આ મામલે વધુ આકરા પગલાં લેવામાં આવશે. તંત્રની આ કામગીરીથી ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો----       Patan ના ઝીલીયાકાંડમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, લુખ્ખાઓથી આટલી ડરે તે પોલીસ હોય ?



  • Follow us on: