જસદણ-આટકોટ ફોરલેન રોડ પર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે શહેરના રામાધણી અલાઈમેન્ટ પાસે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરઝડપે આવતા બાઈક ચાલકે શેરીમાંથી બહાર નીકળતા અન્ય એક વાહનચાલકને જોરદાર ટક્કર મારી હતી.
બેદરકારી બની અકસ્માતનું કારણ
ઘટનાની વિગતો મુજબ, એક ટુ-વ્હીલર ચાલક શેરીમાંથી નીકળી મુખ્ય ફોરલેન રોડ પર ચડવાની કોશિશ કરી રહ્યો હતો. આ સમયે મેઈન રોડ પર પસાર થતા અન્ય એક બાઈક સવારે તેને અડફેટે લીધો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે શેરીમાંથી નીકળનાર ચાલક રોડ પર પટકાયો હતો અને તેને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
CCTV ફૂટેજમાં કેદ થઈ ઘટના
આ સમગ્ર અકસ્માત રામાધણી અલાઈમેન્ટ ખાતે લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે. ફૂટેજ જોતા સ્પષ્ટ જણાય છે કે, શેરીમાંથી મુખ્ય રોડ પર પ્રવેશતી વખતે ચાલકે હાઈવે પરના ટ્રાફિકનું ધ્યાન રાખ્યું ન હતું, જે તેની ભૂલ સાબિત થઈ હતી.
માનવતા ભૂલ્યો ચાલકઇજાગ્રસ્તને મૂકી નાસી છૂટ્યો
અકસ્માત સર્જ્યા બાદ ટક્કર મારનાર બાઈક ચાલક ઇજાગ્રસ્તની મદદ કરવાને બદલે માનવતા નેવે મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક એકઠા થઈ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માત કરીને નાસી છૂટેલા ચાલક વિરુદ્ધ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ તપાસ શરૂ
બનાવની જાણ થતા જ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસની તજવીજ હાથ ધરી છે. નાસી છૂટેલા વાહનચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોની માંગ છે કે ફોરલેન રોડ પર સતત વધતા અકસ્માતોને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે.
આ પણ વાંચોઃ Vav tharad જિલ્લામાં દેશભક્તિનો ઉમંગ, 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની કરાશે ભવ્ય ઉજવણી