રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં જેતપુર શહેરના કોટડીયા વિસ્તારમાં આવેલી આસોપાલવ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પોતાની ઘરની શેરીમાં રમી રહેલા એક નિર્દોષ બાળક પર રખડતા કુતરાએ અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે, અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે.
સીસીટીવીમાં કેદ થયો કૂતરાનો આતંક
સામે આવેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે, બાળક અન્ય બાળકો સાથે સોસાયટીની શેરીમાં રમી રહ્યું હતું. આ દરમિયાન એક રખડતું કુતરું પાછળથી આવ્યું હતું અને અચાનક બાળક પર તૂટી પડ્યું હતું. કુતરાએ બાળકના હાથના ભાગે અત્યંત જોરથી બચકા ભર્યા હતા. બાળકની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કુતરાને ભગાડ્યું હતું. જોકે, ત્યાં સુધીમાં કુતરાએ બાળકને લોહીલુહાણ કરી નાખ્યું હતું.













