જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ વિસ્તારમાં ફરી એકવાર સિંહના વિચરણનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે ટ્રાફિકથી ધમધમતા ભવનાથના મુખ્ય રસ્તા પર એક સિંહ અચાનક આવી ચડ્યો હતો. આ સિંહે ત્યાંથી પસાર થઈ રહેલી એક કારની પાછળ દોડ લગાવી હતી, જેને જોઈને કારમાં સવાર લોકો અને આસપાસના અન્ય વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સિંહ રસ્તાની વચ્ચે બિન્ધાસ રીતે દોડતો જોવા મળે છે.
જૂનાગઢમાં ફરી સિંહોનું વિચરણ
નોંધનીય છે કે ભવનાથ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સિંહોની અવરજવર વધી ગઈ છે. ગત દિવસે પણ બે સિંહો રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા હતા અને આજે ફરી એક સિંહે કાર પાછળ દોડ લગાવીને પ્રવાસીઓને ચોંકાવી દીધા હતા. ભવનાથ એ ગિરનાર જંગલને અડીને આવેલો વિસ્તાર હોવાથી અહીં અવારનવાર વન્ય પ્રાણીઓ જોવા મળે છે, પરંતુ ટ્રાફિકની વચ્ચે આ રીતે સિંહનું હિંસક વલણ જોઈને સ્થાનિકો અને મુલાકાતીઓમાં સલામતીને લઈને ચિંતા જોવા મળી રહી છે.













