જૂનાગઢ શહેરમાં રેઢિયાળ ઢોરનો ત્રાસ હવે હદ વટાવી રહ્યો છે. મુખ્ય રોડ, ગલી-મહોલ્લા, ચોક-બજાર કે શાળા-હોસ્પિટલની આસપાસ પણ ગાય-ભેંસના ટોળા ફરતા જોવા મળે છે. રસ્તા પર અચાનક ઢોર આવી જાય તો વાહનચાલકોને બ્રેક મારવી પડે, અકસ્માતનું જોખમ વધે અને રાહદારીઓના જીવનું જોખમ રહે. આ સમસ્યા નવી નથી, વર્ષોથી ચાલી આવે છે, પણ મહાનગરપાલિકાની કેટલ પાઉન્ડ શાખા હજુ સુધી આંખ ઉઘાડતી નથી લાગતી.


ઘાસચારો વેચતા ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો

આશ્ચર્યની વાત એ છે કે, જે શાખા રેઢિયાળ ઢોર પકડીને ડબ્બે પૂરવાની જવાબદારી ધરાવે છે, તે શાખા પોતાનું મુખ્ય કામ છોડીને બીજા કામમાં વ્યસ્ત દેખાય છે. ગઈકાલે એક જ દિવસમાં મનપાએ ફૂટપાથ તેમજ જાહેર રોડ પર ઘાસચારો વેચતા ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. આ ત્રણેય વ્યક્તિઓ વિરુદ્ધ શહેરના બી-ડિવિઝન તથા સી-ડિવિઝન પોલીસ મથકમાં જાહેરનામાં ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ત્રણ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે.

મનપા માત્ર કાગળ પર કડકાઈ બતાવવામાં વ્યસ્ત

જેમાં (1) સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે ઘાસ વેચતા વસીમ હનીફશા બાનવા, (2) અગ્રાવત ચોક, નંદનવન શાક માર્કેટ પાસે નદીમ હનીફ બાનવા અને (3) ટીંબાવાડી રાયજીબાગ પાસે અક્રમ ફારુક બાનવા. આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે, પણ પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યાં ઘાસચારો વેચાય છે, ત્યાં તો ઢોર પણ હાજર હોય છે! જો એ જ જગ્યાએથી રેઢિયાળ ઢોરને પકડીને ડબ્બે પૂરી દેવામાં આવે તો આવતીકાલથી કોઈ વ્યક્તિ ત્યાં ઘાસ વેચવા આવે જ નહીં. એટલે સમસ્યાનું જડમૂળથી નિવારણ થઈ જાય. પણ મનપા માત્ર કાગળ પર કડકાઈ બતાવવામાં વ્યસ્ત છે.

રેઢિયાળ ઢોરના માલિકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ

વાસ્તવિક કામગીરીથી દૂર રહી રહી છે. જૂનાગઢ શહેરીજનોની માંગ છે કે કેટલ પાઉન્ડ શાખા જાગે, રેઢિયાળ ઢોરના માલિકો સામે કડક કાર્યવાહી કરે અને શહેરને ઢોરમુક્ત બનાવે. ઘાસ વેચનારને પકડવામાં જેટલી તત્પરતા બતાવવામાં આવી છે, એનાથી વધુ તત્પરતા ઢોર પકડવામાં બતાવવામાં આવે તો જૂનાગઢ ખરેખર સ્વચ્છ અને સુરક્ષિત શહેર બની શકે.


આ પણ વાંચો - Gandhinagar News : ગંભીર બ્રિજને લઈને મહત્વના સમાચાર, ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે અવરજવર ચાલુ


  • Follow us on: