જૂનાગઢ શહેરના શીતળાકુંડ વિસ્તારમાં વિકાસ અંગે કરવામાં આવેલા દાવા પોકળ સાબિત થયા હોવાની ફરિયાદ સ્થાનિક રહીશો કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ધારાસભ્ય સંજય કોરડિયાએ ત્રણ વર્ષની “ત્રિવેણી સંગમ” વિકાસ પત્રિકામાં શીતળાકુંડ વિસ્તારમાં 50 લાખ રૂપિયાના ખર્ચે ફેઝ-1 હેઠળ રસ્તા અને ગટર વ્યવસ્થાનું કામ શરૂ કરાયું હોવાનું જાહેર કર્યું હતું. જોકે, હાલની સ્થિતિમાં વિસ્તારમાં કોઈ નોંધપાત્ર વિકાસ જોવા મળતો નથી.રહીશોનો આક્ષેપ છે કે વિસ્તારની પચાસ વર્ષ જૂની ગટર સમસ્યા આજે પણ યથાવત છે.
લોકો હવે કમિશનરને કરશે રજૂઆત
ભારે વરસાદ કે ગટર ભરાઈ જતાં ગંદુ પાણી સીધું લોકોના ઘરોમાં ઘૂસી જાય છે, જેના કારણે રોજિંદી જીવનમાં ભારે મુશ્કેલીઓ ઉભી થાય છે. ગંદા પાણીના કારણે દુર્ગંધ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસ પત્રિકામાં દર્શાવાયેલા કામો માત્ર કાગળ પર જ રહી ગયા છે. રસ્તાઓ ખરાબ હાલતમાં છે અને ગટર લાઈનોની સ્થિતિ પણ દયનીય છે. લોકો હવે આ મુદ્દે નગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.આ સાથે જ શીતળાકુંડ વિસ્તારમાં આવેલ પૌરાણિક મંદિરના વિકાસની પણ પ્રબળ માંગ ઉઠી રહી છે. રહીશોનો મત છે કે વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ સાથે મંદિરના વિકાસ પર પણ તંત્રએ ધ્યાન આપવું જોઈએ.













